પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ બુધવારે માજી કેપ્ટન મિસ્બાહ ઉલ હકને પાકિસ્તાની ટીમનો મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યો હતો. પીસીબીને એવી આશા છે કે નવા કોચ અને પસંદગીકાર તરીકે મિસ્બાહના આવવાથી ટીમના પ્રદર્શનમાં આશા અનુસારનો સુધારો થશે. ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પણ પ્રવેશી શકી નહોતી.
વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મુખ્ય કોચ મિકી આર્થરના કાર્યકાળને આગળ વધાર્યો નહોતો. તેની સાથે જ બોલિંગ કોચ અઝહર મહેમૂદ અને બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને પણ રજા આપી દેવાઇ હતી. પીસીબીએ જાહેર કર્યું હતું કે મિસ્બાહ આગામી ત્રણ વર્ષ સુધી પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ અને પસંદગીકાર તરીકેની જવાબદારી સંભાળશે. મિસ્બાહની સાથે જ માજી ઝડપી બોલર વકાર યુનૂસને બોલિંગ કોચ તરીકે પસંદ કરાયો છે. વકાર આ પહેલા બે વાર પાકિસ્તાની ટીમનો હેડ કોચ રહી ચુક્યો છે.