ન્યુઝીલેન્ડની ટીમના માજી કોચ માઇક હેસને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના કોચ બનવાની ઓફર ફગાવી દીધી છે. હાલમાં જ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે જે 6 નામ શોર્ટ લિસ્ટ કરાયા હતા, તેમાં હેસનનું નામ સામેલ હતું. વળી સીએસીના સભ્યોએ આપેલા માર્કિંગમાં પણ તે શાસ્ત્રી પછી બીજા સ્થાને રહ્યા હતા. શાસ્ત્રીની ફરી પસંદગી થતાં એવું મનાતું હતું કે હેસન પાકિસ્તાની ટીમના કોચ બનશે, જો કે તેમણે એ પ્રસ્તાવ નકારી કાઢ્યો છે.
ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસમાં કહેવાયું છે કે હેસનને માત્ર ભારતીય ટીમના કોચ બનવામાં રસ હતો. તેમનું એવું માનવું છે કે વર્લ્ડ ક્રિકેટમાં ભારતીય ટીમના કોચ બનવું એ સૌથી મોટો પડકાર છે. આ પહેલા એવા પણ અહેવાલ આવ્યા હતા કે તેમણે ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના કોચ બનવા માટે પણ અરજી કરી હતી. જો કે તેમણ બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંને તરફથી મળેલા પ્રસ્તાવને હવે નકારી કાઢ્યો છે.