વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે પહેલા ટી-20 સિરીઝ અને તે પછી વન-ડે સિરીઝમાં વેસ્ટઇન્ડિઝના સુપડાં સાફ કરી દીધા પછી હવે ગુરૂવારથી બે ટેસ્ટની સિરીઝ શરૂ થઇ રહી છે અને તેમાં પણ વિન્ડીઝ ટીમનો સફાયો કરવા પર ટીમ ઇન્ડિયાની નજર છે. જો કે 22 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ પહેલા વિરાટ કોહલી સામે એક મુશ્કેલ ટાસ્ક આવી ગયો છે.
વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા મામલે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વિમાસણમાં છે. તેમની સામે મુંઝવણ એ છે કે અજિંકેય રહાણે અને રોહિત શર્મા બંનેને રમાડવા કે પછી તેમાંથી એકને રમાડવો. સૌથી મહત્વની વાત એ છે કે જો પ્રથમ ટેસ્ટમાં પાંચ બોલર સાથે ઉતરવામાં આવે તો રોહિત અને રહાણે એ બેમાંથી માત્ર એકનો ટીમમાં સમાવેશ થઇ શકશે. જો એ બંનેને સમાવવા હોય તો ટીમે ચાર બોલર સાથે જ મેદાને પડવું પડે. તેમને સવાલ એ થાય છે કે રહાણે અને રોહિત કે પાંચમો બોલર? એકરીતે જોઇએ તો કેપ્ટન કોહલી માટે આ એક મુશ્કેલ ટાસ્ક છે, જે ટેસ્ટ શરૂ થતાં પહેલા જ તેની સામે આવી ગયો છે.
રાહુલની સરખામણીએ ઓપનર તરીકે હનુમા વિહારીનું પલ્લું ભારે
જો ભારતીય ટીમ મેનેજમેન્ટ પરંપરાગત વ્યુહરચના સાથે આગળ વધશે તો કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ પાસે દાવની શરૂઆત કરાવાશે. જોકે એ સમયે એ ન ભુલવું જોઇએ કે રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કરાયો નહોતો અને હનુમા વિહારીએ ઓપનરની ભૂમિકા ભજવી હતી. તેણે જોકે વધુ રન નહોતા બનાવ્યા પણ તેણે બોલની ચમક ઓછી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અજિંકેય રહાણે પર રોહિત શર્માનું ફોર્મ ભારે પડી શકે છે
હાલનું ટીમ સંયોજનને ધ્યાને લેવામાં આવે તો કોહલીએ રોહિત અથવા રહાણે બેમાંથી એકની પસંદગી કરવાની આવશે. રોહિતે પોતાની અંતિમ ટેસ્ટમાં નોટઆઉટ અર્ધસદી ફટકારી હતી અને પ્રેક્ટિસ મેચની પહેલી ઇનિંગમાં પણ તેણે અર્ધસદી ફટકારી હતી. રહાણેએ બીજી ઇનિંગમાં ભલે રન બનાવ્યા હોય પણ તે હાલ ફોર્મમાં નથી અને કાઉન્ટી ક્રિકેટમાં રમવા છતાં તેનો આત્મવિશ્વાસ વધ્યો નથી. આ સ્થિતિમાં જો બેમાંથી એકને રમાડવો હોય તો રોહિતની પસંદગી થઇ શકે છે.
ભારતીય ટીમના મિડલ ઓર્ડરમાં 1થી 4 સેટ પણ પાંચમા ક્રમે કોણ?
જો ટીમ પસંદગીમાં રાહુલના એક વર્ષના ખરાબ રેકોર્ડને ધ્યાને લેવાશે તો હનુમા વિહારી ફરી એકવાર ઓપનીંગ કરી શકે છે. આ સ્થિતિમાં પુજારા ત્રીજા તો વિરાટ કોહલી ચોથા ક્રમે ઉતરશે. સમસ્યા તે પછીના ક્રમની છે. કારણ જો વિકેટકીપર તરીકે પંતનો સમાવેશ થશે તો તે છઠ્ઠા ક્રમે ઉતરશે. તે પછી પંડ્યાની ગેરહાજરીમાં ટીમને સંતુલન આપવા માટે 7માં ક્રમે રવિન્દ્ર જાડેજાનો નંબર લાગી શકે છે. રોહિત અને રહાણેમાંથી કોઇ એકનો પાંચમા ક્રમે નંબર લાગી શકે છે.
પ્રથમ ટેસ્ટમાં બોલિંગ આક્રમણ 4 ઝડપી બોલર 1 સ્પિનર કે બીજું કંઇ ?
વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં ભારતના ત્રણેય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મહંમદ શમી અને ઇશાંત શર્માનો સમાવેશ થઇ શકે છે. આ સિવાય રવિચંદ્રન અશ્વિન અથવા તો કુલદીપ યાદવના રૂપમાં એક સ્પિનરને સમાવી શકાશે. આ સ્થિતિમાં જો વધારાનો બેટ્સમેન રમાડાશે તો રવિન્દ્ર જાડેજાનો નંબર લાગવો શક્ય નથી. કોહલી હંમેશા પાંચ બોલર સાથે ઉતરવાની તરફેણ કરે છે અને જો પીચ ઝડપી બોલરને અનુકુળ હશે તો ઉમેશ યાદવનો સમાવેશ થઇ શકે છે.