એન્ટીગા, તા. 19 : ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 11 વર્ષ પુરા થવાના અવસરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કિંગ કોહલીના નામે જાણીતા વિરાટ કોહલીએ પોતાની ડેબ્યુ મેચનો એક થ્રો બેક ફોટો શેર કરીને પોતાના દ્વારા પ્રાપ્ત કરાયેલી સફળતા માટે આભારની લાગણી વ્યક્ત કરી છે.
કોહલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ડેબ્યુ મેચનો ફોટો શેર કરીને લખ્યું છે કે એક તરુણ તરીકે આ દિવસે જ 2008માં શરૂઆત કરવાથી લઇને 2019ના આ વર્તમાન દિવસની 11 વર્ષની યાત્રાને પ્રતિબિંબિત કરવી, સ્વપ્નેય વિચાર્યુ નહોતું કે ઇશ્વર મારા પર આટલો મહેરબાન થશે, આપ સૌને પણ પોતાના સ્વપ્ન પુરા કરવા અને હંમેશા સાચા માર્ગે ચાલતા રહેવાની શક્તિ અને તાકાત મળે. સદૈવ આભારી.
વિરાટ કોહલીએ પોતાનું ઇન્ટરનેશનલ વન ડે પદાર્પણ 18 ઓગસ્ટ 2008ના રોજ દામ્બુલા ખાતે શ્રીલંકા સામે કર્યું હતું. પોતાની પહેલી મેચમાં ઓપનર તરીકે મેદાન પર ઉતરેલા કોહલીએ તેમાં માત્ર 12 રન કર્યા હતા. તેણે પોતાની પહેલી વન-ડે સદી 2009માં ફટકારી હતી અને તેના 10 વર્ષ પછી હવે તેના નામે 43 સદી છે અને તેનાથી આગળ 49 સદી સાથે એકમાત્ર દિગ્ગજ સચિન તેંદુલકર છે.