IPL 2025 પહેલા ગૌતમ ગંભીરનું સ્થાન લેશે કુમાર સંગાકારા? જાણો શું હોઈ શકે છે મોટો બદલાવ
IPL 2025માં કુમાર સંગાકારા નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. હાલમાં તે રાજસ્થાન રોયલ્સના ટીમ ડાયરેક્ટર છે.
IPL 2025 પહેલા માત્ર ખેલાડીઓની દ્રષ્ટિએ જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફના રૂપમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. જેમ મેગા ઓક્શન પહેલા ખેલાડીઓ એક ટીમમાંથી બીજી ટીમમાં જઈ શકે છે, તેવી જ રીતે કોચિંગ સ્ટાફના સભ્યો પણ એક ટીમમાંથી બીજી ટીમમાં જઈ શકે છે. હવે સમાચાર સામે આવ્યા છે કે રાજસ્થાન રોયલ્સ ટીમના ડિરેક્ટર કુમાર સંગાકારા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં ગૌતમ ગંભીરનું સ્થાન લઈ શકે છે.
સંગાકારા કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બનવા માટે વાતચીત કરી
જો સંગાકારા KKRનો મેન્ટર બનશે તો તે ગૌતમ ગંભીરનું સ્થાન લેશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ ગંભીરે KKR છોડવું પડ્યું હતું. 2024માં ગંભીરને કોલકાતાના મેન્ટર તરીકે જોવામાં આવ્યો હતો. હવે 2025માં કુમાર સંગાકર KKRના મેન્ટર તરીકે જોવા મળી શકે છે.
અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સથી અલગ થવા માંગે છે અને અન્ય ટીમોની ઓફરો જોવા માંગે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ખરેખર આવો ફેરફાર થાય છે કે નહીં.
2024માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન સારું રહ્યું હતું
IPL 2024માં રાજસ્થાન રોયલ્સે સારું પ્રદર્શન કર્યું અને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. ટીમે 14માંથી 8 મેચ જીતીને ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું. જોકે ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાયર મેચ હારવી પડી હતી. ક્વોલિફાયર પહેલા ટીમે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. રાજસ્થાને બેંગલુરુ સામે 4 વિકેટે જીત મેળવી હતી.