શ્રીલંકાએ અહીં રમાયેલી પ્રવાસી ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન દિમૂથ કરુણારત્નેની સદીની મદદથી 6 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ આ સાથે જ બે ટેસ્ટની સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી કોલંબો ખાતે રમાશે.
ન્યુઝીલેન્ડનો પહેલો દાવ 249 રને સમેટાયા પછી શ્રીલંકાની પહેલી ઇનિંગ 267 રને પુરી થઇ હતી. તે પછી ન્યુઝીલેન્ડનો બીજો દાવ 285 રને સમેટાતા શ્રીલંકા સામે 268 રનનો વિજય લક્ષ્યાંક મુકાયો હતો. આ લક્ષ્યાંક સામે કરુણારત્ને અને થિરિમાનેએ મળીને 161 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને જોરદાર શરૂઆત અપાવી હતી. શ્રીલંકાએ બે વિકેટ ઝડપથી ગુમાવી પણ કરુણારત્નેએ એક છેડો સાચવીને 122 રનની શતકીય ઇનિંગ રમી ટીમના વિજયમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી અને તેના કારણે શ્રીલંકાએ 86.1 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી લીધી હતી. કરુણારત્નેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.