અહીં રમાઇ રહેલી ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે જોશ હેઝલવુડે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ માત્ર 67 રનમાં સમેટાઇ ગયો હતો. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં જોફ્રા આર્ચરે તરખાટ મચાવીને 6 વિકેટ ઉપાડવા સાથે ઓસ્ટ્રેલિયાને 179 રને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાના બીજા દાવમાં 6 વિકેટે 171 રન બનાવી લીધા હતા અને તેમની કુલ સરસાઇ વધીને 283 રન થઇ ગઇ છે. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે માર્નસ લેબૂશેન 53 અને જેમ્સ પેટિનસન 2 રને રમતમાં હતા.
હેઝલવુડના તરખાટ સામે ઇંગ્લેન્ડની ટીમના 10 ખેલાડીઓ બે આંકડે પણ ન પહોંચી શક્યા
તેની સામે હેઝલવુડે એવો તરખાટ મચાવ્યો કે ઇંગ્લેન્ડની ટીમના 10 બેટ્સમેન બે આંકડે પણ પહોંચી શક્યા નહોતા અને તેઓ 67 રને ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયાએ 112 રનની સરસાઇ મેળવી હતી. ઇંગ્લેન્ડ વતી એકમાત્ર જો ડેનલીએ સર્વાધિક 12 રન કર્યા હતા. બીજા દિવસે ટી બ્રેકના સમય સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 83 રન બનાવી લઇને સરસાઇ 194 રન કરી લીધી છે. બ્રેક સમયે ટ્રેવિસ હેડ 17 તો માર્નસ લેબૂશેન 13 રને રમતમાં હતા. લંચ બ્રેક પછી રમત ફરી શરૂ થઇ ત્યારે થોડી જ વારમાં હેડ 25 રન કરીને આઉટ થયો હતો. તે પછી લેબૂશેને મેથ્યુ વેડ સાથે 66 રનની ભાગીદારી કરી હતી. વેડ 33 રન કરીને આઉટ થતાં આ ભાગીદારીનો અંત આવ્યો હતો અને તે પછી ટીમ પેન પણ તરત જ આઉટ થયો હતો.
જો રૂટે 42 વર્ષ જૂના અણગમતા રેકોર્ડની બરોબરી કરી
અહીં રમાતી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ જોશ હેઝલવુડના બોલે શૂન્ય રને આઉટ થયો તેની સાથે જ તેના નામે એક અણગમતો રેકોર્ડ જોડાયો હતો. એશિઝ સિરીઝના ઇતિહાસમાં જો રૂટ 1977 પછી હેડિંગ્લેમાં શૂન્ય રને આઉટ થનારો પહેલો ઇંગ્લીશ કેપ્ટન બન્યો હતો. તેના પહેલા છેલ્લે 1977માં માઇક બ્રેયરલી હેડિંગ્લેમાં શૂન્ય રને આઉટ થયો હતો.
67 રને ઓલઆઉટ થઇ 71 વર્ષ જૂનો શરમજનક રેકોર્ડ ઇંગ્લેન્ડે દોહરાવ્યો
ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે જોશ હેઝલવુડના તરખાટ સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 67 રને ધારાશાયી થઇ તેની સાથે જ એશિઝ સિરીઝમાં તેમણે 71 વર્ષ જૂનો રેકોર્ડ દોહરાવ્યો હતો. 1948માં રમાયેલી એશિઝ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 52 રને ઓલઆઉટ થઇ હતી. તે પછી આ તેમનો સૌથી ઓછો સ્કોર રહ્યો છે.