ઔરંગાબાદ: ભારતમાં હવે મહિલા ક્રિકેટનું સ્તર ધીમે ધીમે ઉચું આવતું ગયું છે. તેવામાં સ્થાનીક ક્રિકેટમાં પણ હવે મહિલા ક્રિકેટરો શાનદાર પ્રદર્શન કરી રહી છે. આવું જ એક કિર્તીમાન મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય જેમિમાહ રોડરિગ્ઝેએ મેળવ્યું છે. ભારતીય વુમન્સ ક્રિકેટમાં એક નવું કિર્તિમાન સ્થાપિત કરી દીધું છે. મહિલા ક્રિકેટની અંડર-19 મેચમાં તે બેવડી સદી ફટકારીને લાઈમ લાઈટમાં આવી ગઈ છે. તેના નોટઆઉટ 202 રનની મદદથી મુંબઈએ સૌરાષ્ટને 285 રને હરાવી શક્યું હતું. આ મેચ ઔરંગાબાદ ખાતે યોજાઈ હતી. મુંબઈના અંડર-19 કોચ જયેશ દાદરકરે કહ્યું હતું કે, ‘તે ટીમ ઈન્ડિયા માટે રમે તેવું કૌશલ્ય ધરાવે છે.’ તેના તાજેતરના રેકોર્ડને જોતા આ સાચું હોય તેવું પણ લાગે છે. અંડર-19 મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાછલી મેચમાં તેણે 178 રન ફટકાર્યા હતા.
જે કારણે પ્રતિદ્વંદ્વિ ટીમ ગુજરાતની જોરદાર હાર થઈ હતી. તેણે ક્હ્યું કે, ‘ડબલ સેન્ચુરી ફટકારવા માટે એકાગ્રતા અને સારી ફિટનેસ ખૂબ જ જરૂરી છે. ગયા વર્ષની ટૂર્નામેન્ટ બાદ મેં જીમ જોઈન કર્યુ. હું ખૂબ જ ઈન્ટેન્સ વર્કઆઉટ કરી લેતી હતી. હું મારા પિતા કે જેઓ એન્જિનિયર છે તેમની સાથે જ વર્કઆઉટ કરું છું. આ વખત પહેલીવાર હું સફેદ બૉલ સાથે રમી રહી હતી જે કારણે મારે ઘણા એડજસ્ટમેન્ટ્સ કરવા પડ્યા હતા.’ કોચ જણાવે છે કે ધોરણ 12માં ભણતી જેમિમાહ ક્રિકેટ પ્રત્યે અત્યંત ગંભીર છે. તેણે ગતવર્ષે ઈન્ડિયા કેમ્પ પણ જોઈન કર્યુ હતું. તે એક કેપ્ટન તરીકે ખૂબ જ સક્ષમ છે. તેમજ હાર્ડવર્ક અને કમિટમેન્ટનો પણ જવાબ નથી. તે બેંગ્લોરમાં યોજાયેલ ઈન્ડિયા કેમ્પનો ભાગ રહી હતી. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટમાં તેની એવરેજ 320 હતી.
ગઈકાલે યોજાયેલી આ મેચમાં જેમિમાહએ સેજલ રાજપૂત સાથે મળીને પહેલી વિકેટ માટે 300 રનની પાર્ટનરશીપ કરી હતી. જેની મદદથી મુંબઈ ગુજરાત સામે 347 રનનો લક્ષ્યાંક ઉભું કરી શક્યું હતું. જ્યારે સૌરાષ્ટની ટીમ 40 ઓવરમાં માત્ર 62 રન જ બનાવી શકી હતી. જેમિમાહ ઓફ-સ્પિન બૉલિંગ પણ કરે છે. પરંતુ તેણે આ ગેમમાં બૉલિંગ કરી નહોતી.