ICC : ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે આર અશ્વિન પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગ બહાર પાડી છે. આ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટનો નવો નંબર-1 બોલર બની ગયો છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના જ સાથી ખેલાડી આર અશ્વિન પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે. જસપ્રિત બુમરાહે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું ફળ મળ્યું છે.
બુમરાહ ટેસ્ટમાં નંબર 1 બોલર બન્યો છે
જસપ્રીત બુમરાહ 881 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ આર અશ્વિન પહેલાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેના રેટિંગ પોઈન્ટ 841 છે. જ્યારે કાગીસો રબાડા બીજા સ્થાને યથાવત છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ ચોથા નંબર પર આવી ગયો છે. તેના રેટિંગ પોઈન્ટ 828 છે. ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ન રમનાર રવિન્દ્ર જાડેજાને આ રેન્કિંગમાં નુકસાન થયું છે. તે આઠમા નંબરે આવી ગયો છે.
આમ કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો
આ પહેલીવાર છે જ્યારે જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં નંબર વન બોલર બન્યો છે. આ પહેલા તેણે ODI અને T20માં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેણે ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. તે પોતાની કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. આ પહેલા દુનિયાનો કોઈ બોલર આ સિદ્ધિ મેળવી શક્યો નથી. બીજી તરફ જસપ્રીત બુમરાહે પોતાનું નામ અન્ય એક યાદીમાં સામેલ કર્યું છે. વિરાટ કોહલી બાદ તે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બનનાર એશિયાનો બીજો ખેલાડી બની ગયો છે.