Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને બીજો મોટો ફટકો, બુમરાહ બાદ વધુ એક સ્ટાર બોલર ટીમની બહાર!
Jasprit Bumrah: ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ બાદ હવે ભારતીય ટીમનો વધુ એક મહત્વનો ફાસ્ટ બોલર આકાશ દીપ ઈજાગ્રસ્ત થયો છે. આકાશ દીપને તાજેતરમાં પીઠમાં ઈજા થઈ હતી, જેની પુષ્ટિ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કરી હતી. આ ઈજાને કારણે આકાશ દીપને વિજય હજારે ટ્રોફીના નોકઆઉટ તબક્કામાં પણ રમવાની તક નહીં મળે. અહેવાલો અનુસાર, આકાશ દીપ તેની રિકવરી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં કરશે.
Jasprit Bumrah આકાશ દીપે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 2 ટેસ્ટ મેચ રમી હતી અને ચાર ઇનિંગ્સમાં 54ની એવરેજથી 5 વિકેટ લીધી હતી. તેની ઈજા ભારતીય બોલિંગ આક્રમણને અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે બુમરાહ અને મોહમ્મદ શમી ઈજાને કારણે ટીમની બહાર છે.
આ દરમિયાન જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વનડે શ્રેણીમાંથી બહાર હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ટીમ મેનેજમેન્ટ હાલમાં બુમરાહની ઉપલબ્ધતાને લઈને ચિંતિત છે, ખાસ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે. જો કે, અહેવાલો અનુસાર, બુમરાહને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ તે પ્રારંભિક મેચોમાંથી બહાર રહી શકે છે. તેની નોકઆઉટ મેચોમાં વાપસી થવાની આશા છે. બુમરાહ ટૂંક સમયમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ અને તેના અંગત ડોક્ટરની સલાહ લેશે.
બુમરાહ છેલ્લે 2022માં ઘાયલ થયો હતો ત્યારે તેની સર્જરી ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવી હતી. આ વખતે પણ ભારતીય ટીમ બુમરાહની ઈજાને લઈને ભારે ચિંતાનો સામનો કરી રહી છે.