IPL 2024:IPL 2024 22 માર્ચથી શરૂ થશે. આઈપીએલના અધ્યક્ષ અરુણ ધૂમલે મંગળવારે સમાચાર એજન્સી પીટીઆઈને આ વાતની પુષ્ટિ કરી. સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં, સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ રમાશે. ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં થવાની ધારણા છે અને આ જ મુખ્ય કારણ છે કે IPLની 17મી આવૃત્તિનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ધૂમલે કહ્યું કે શરૂઆતમાં ફક્ત પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. બાકીની મેચોની યાદી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ નક્કી કરવામાં આવશે.
આગામી મહિનાની શરૂઆતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ધારણા છે. ધૂમલે કહ્યું, ‘અમે 22 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થવાની આશા રાખીએ છીએ. અમે સરકારી એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને પહેલા પ્રારંભિક શેડ્યૂલ જાહેર કરીશું. સમગ્ર ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાશે.
માત્ર 2009માં જ આઈપીએલ સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા)માં રમાઈ હતી, જ્યારે 2014માં સામાન્ય ચૂંટણીઓને કારણે યુએઈમાં કેટલીક મેચો રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.
ભારત વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે, જ્યારે ICC ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. IPLની પ્રથમ મેચ ગત વર્ષની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે રમાય છે. આવી સ્થિતિમાં, આ વર્ષની પ્રથમ મેચ 2023 IPLની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ઉપવિજેતા ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.
2024 સીઝન માટે ખેલાડીઓની હરાજી ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાઈ હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 24.75 કરોડમાં ખરીદ્યા બાદ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક લીગના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા.