નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 14 નો બીજો ભાગ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. શ્રેયસ અય્યર આઇપીએલ 14 ના બીજા ભાગ માટે દિલ્હી કેપિટલ્સની ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, શ્રેયશ અય્યર ટીમ વગર દુબઈ પહોંચી ગયો છે, તેણે આઈપીએલમાં પરત ફરવાની તૈયારી ઝડપી કરી છે.
અય્યરની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સની ટીમ 2020 સીઝનમાં આ લીગની ફાઇનલમાં પહોંચી હતી. ઈજા બાદ પુનર્વસનનાં પાંચ મહિના પૂરા કરીને તે રમતમાં પરત ફરી રહ્યો છે. માર્ચમાં પુણેમાં વનડે મેચ દરમિયાન મેદાનમાં ઈજા થયા બાદ આ વર્ષે 8 એપ્રિલે તેના ખભાની સર્જરી થઈ હતી.
દિલ્હી કેપિટલ્સના એક વરિષ્ઠ અધિકારીએ અય્યરના દુબઈ આવવાની માહિતી આપી છે. નામ જાહેર ન કરવાની શરતે, વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “હા, શ્રેયસ પહેલેથી જ દુબઈ પહોંચી ગયો છે અને ક્વોરેન્ટીન સંબંધિત તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી તાલીમ શરૂ કરશે.”
કેપ્ટનશીપ અંગે પ્રશ્ન
દિલ્હી કેપિટલ્સની ટીમ આ મહિનાના અંત સુધીમાં યુએઈ પહોંચશે. વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “દિલ્હી કેપિટલ્સની ટીમ આ મહિનાના અંત સુધીમાં દુબઈ જશે. પરંતુ શ્રેયસ તાલીમ શરૂ કરવા માંગે છે. તે ટીમ સાથે કેમ્પની શરૂઆત પહેલા સંપૂર્ણ લય અને ફિટનેસ મેળવવા માંગે છે.
અય્યરની સાથે તેમના બાળપણના કોચ પ્રવીણ આમરે પણ છે જે તેમને પ્રેક્ટિસમાં મદદ કરશે. તેઓ દિલ્હી કેપિટલ્સના બેટિંગ કોચ પણ છે. સૂત્રએ કહ્યું કે, “પ્રવીણ પણ શ્રેયસને મદદ કરવા માટે તેની સાથે છે અને જ્યારે ટીમ અને નેટ બોલરો ઉપલબ્ધ ન હોય ત્યારે તે તેને મદદ કરશે. બીસીસીઆઈના નિયમો મુજબ બહારનો કોઈ નેટ બોલર પ્રેક્ટિસમાં ભાગ લઈ શકતો નથી, તેથી આશા છે કે પ્રવીણ થ્રોડાઉન દ્વારા શ્રેયસને મદદ કરશે.
શ્રેયસ અય્યરના પરત ફર્યા બાદ જો કે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પર સવાલ ઉભો થયો છે. અય્યરની ગેરહાજરીમાં ટીમની કમાન રિષભ પંતના હાથમાં હતી. આવી માહિતી બહાર આવી રહી છે કે આ સમગ્ર સિઝનમાં, તે ટીમનો હવાલો સંભાળતો જોઇ શકાય છે.