નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)ની ફાઇનલને હજુ 20 દિવસ બાકી છે, પરંતુ હવે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. શનિવારે ડબલ હેડર રમ્યા બાદ દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની હતી. આ સાથે પંજાબ કિંગ્સ સામેની હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્લેઓફનો રસ્તો બંધ થઇ ગયો હતો.
દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શનિવારે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 33 રને હરાવ્યું. આઈપીએલની 14 મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની આ 8 મી જીત હતી અને આ સાથે તેઓ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. અત્યાર સુધી આઇપીએલના ઇતિહાસમાં 16 પોઇન્ટ પ્રાપ્ત કરનાર તમામ ટીમોને પ્લેઓફમાં પ્રવેશ મળ્યો છે.
આ સાથે જ પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનું ખરાબ પ્રદર્શન પણ ચાલુ રહ્યું. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 9 મેચ રમી છે અને આ તેમની આઠમી હાર હતી. સનરાઇઝર્સ હૈદરાબાદનો નેટ રન રેટ પણ ખૂબ ખરાબ છે અને તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર છે.
CSK પ્લેઓફની નજીક છે
પંજાબ કિંગ્સ, જોકે, પ્લેઓફની રેસમાં રહેવા માટે સફળ રહી હતી. પંજાબ કિંગ્સે પોતાની 10 મી મેચમાં ચોથી જીત નોંધાવી. જોકે, પંજાબ કિંગ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પોતાની બાકીની ચાર મેચ જીતવી પડશે.
આ સિવાય, ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે. RCB એ ઓછામાં ઓછી ત્રણ મેચ પણ જીતવી પડશે. કેકેઆર, મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેમની બાકીની પાંચમાંથી ચાર મેચ જીતવી પડશે.