વેસ્ટઇન્ડિઝના પ્રવાસની ટેસ્ટ સિરીઝ પહેલાની વોર્મ અપ મેચમાં ભારતીય ટીમે ચેતેશ્વર પુજારાની સદી અને રોહિત શર્માની અર્ધસદીની મદદથી 5 વિકેટે 297 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમે શરૂઆતના ઝાટકા પછી આ બંનેની ઇનિંગની મદદથી 297 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
શનિવારે શરૂ થયેલી મેચમાં લંચ બ્રેક સુધીમાં ભારતીય ટીમ 89 રનમાં 3 વિકેટ ગુમાવી ચુકી હતી. જો કે તે પછી ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ મળીને બાજી સંભાળી હતી અને બંને મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 132 રન જોડ્યા હતા. રોહિત શર્મા 68 રન કરીને આઉટ થયો હતો. તે પહેલા પુજારા 100 રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. પૂજારા અંતિમ સેશનમાં રિટાયર થયો તે પછી ઋષભ પંત અને હનુમા વિહારી મળીને સ્કોર 297 સુધી લઇ ગયા હતા. પંત 33 રન કરીને આઉટ થયો જ્યારે હનુમા વિહારી 37 રન કરીને એ જાડેજા 1 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
ભારત વતી મેચમાં સુકાન સંભાળી રહેલો રહાણે માત્ર 6 બોલ સુધી મેદાન પર ઊભો રહી શક્યો હતો અને માત્ર 1 રન કરીને આઉટ થયો હતો, તેના પહેલા કેએલ રાહુલે શરૂઆત સારી કરી પણ તે મોટો સ્કોર કરી શક્યો નહોતો અને 36 રન કરીને, જ્યારે મયંક અગ્રવાલ 12 રન કરીને આઉટ થયો હતો.