દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણેની ટી-20 સિરીઝ માટેની ટીમ ગુરૂવારે પસંદગીકારો દ્વારા જાહેર કરવામાં આવી અને તેમાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ન હોવાથી ક્રિકેટ પંડિતો અને ચાહકોએ એવી અટકળ બાંધવા માંડી હતી કે શું ધોનીની અવગણના થઇ રહી છે અને તેને વિદાય આપવાનો સમય આવી ગયો છે.
આ વિવાદો અને અટકળો પર પુર્ણવિરામ મુકતા એક રાષ્ટ્રીય પસંદગીકારે કહ્યું હતું કે ધોનીએ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમ તૈયાર કરવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ધોનીએ વચન આપ્યું છે કે તે પોતાની કેરિયર અંગે ત્યારે જ નિર્ણય કરશે જ્યારે ટીમનું ભાવિ સફળ હાથમાં હશે અને પસંદગીકારો એ વાતે આશ્વસ્ત હશે કે વિકેટકીપીંગ માટે તેમની પાસે પુરતા વિકલ્પ છે.
પસંદગીકારે એવું કહ્યું હતું કે મને એ વાતની નવાઇ લાગે છે કે ધોનીના ટીમમાં સ્થાન બાબતે રોજ કેવી રીતે ચર્ચા થતી રહે છે. તેમણે એવું ઉમેર્યું હતું કે ધોનીની અવગણના કરવાનો કોઇ સવાલ જ ઊભો નથી થતો, ઉલટાનું તેણે અમને ભવિષ્ય માટે સમય આપ્યો છે કે જેથી આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાને લઇને આયોજન કરી શકાય. આપણે પણ એ વાત સમજવી જોઇએ કે શોર્ટ ફોર્મેટમાં જો ઋષભ પંત ઘાયલ થશે તો તેનો યોગ્ય વિકલ્પ હાજર નથી. ધોનીએ એ કારણે થોડો વખત રાહ જોવાનો નિર્ણય કર્યો છે.