એન્ટીગા ખાતે રમાયેલી ત્રિદિવસીય પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે પહેલા દિવસે 5 વિકેટે 297 રનનો સ્કોર બનાવ્યા પછી બીજા દિવસે રમત શરૂ થઇ ત્યારે જ દાવ ડિક્લેર કરી દઇને વેસ્ટઇન્ડિઝને બેટિંગ કરવા ઉતાર્યા પછી ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવની ત્રિપુટીએ જોરદાર બોલિંગ કરીને વેસ્ટઇન્ડિઝ-એ ટીમને 181 રને તંબુભેગી કરી દીધી હતી.
તે પછી ભારતીય ટીમે 1 વિકેટના ભોગે 84 રન બનાવી લઇને પોતાની સરસાઇ 200 રન કરી નાંખી હતી. સોમવારે ત્રીજા દિવસે ભારતીય ટીમે હનુમા વિહારી અને અજિંકેય રહાણેની અર્ધસદીની મદદથી 5 વિકેટે 188 રન કરીને દાવ ડિકલેર કરીને વેસ્ટઇન્ડિઝ-એને 305 રન કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે 21 ઓવરમાં વેસ્ટઇન્ડિઝ-એનો સ્કોર 3 વિકેટે 47 રન હતો ત્યારે પરસ્પર સંમતિથી રમત બંધ રાખવામાં આવતા મેચ ડ્રો રહી હતી.
ભારતની બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલની સાથે રહાણે ઓપનીંગમાં ઉતર્યો હતો. અગ્રવાલ ફરી ફેલ ગયો હતો. ગઇકાલના 1 વિકેટે 84 રનથી આજે આગળ રમતા હનુમા વિહારીએ પોતાની અર્ધસદી પુરી કરી હતી અને સ્કોર 118 પર હતો ત્યારે તે 64 રન કરીને આઉટ થયો હતો. ઋષભ પંત 19 રન કરીને રનઆઉટ થયો હતો અને રવિન્દ્ર જાડેજા 9 રન કરીને આઉટ થયો તે પછી સ્કોર 162 પર હતો ત્યારે રહાણે 54 રન કરીને આઉટ થયો હતો.
305 રનના લક્ષ્યાંક સામે મેદાને પડેલી વેસ્ટઇન્ડિઝ-એ ટીમે 15 રનના સ્કોર પર હોજની વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગમાં વિકેટથી વંચિત રહેલા જસપ્રીત બુમરાહે આ વિકેટ ઉપાડી હતી. તે પછી રિવન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ ઉપાડી હતી.