India vs England 3rd Test Who is Akash Deep: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં હવે ત્રણ મેચ બાકી છે. જેને લઈને હવે BCCI ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. બિહારના ઝડપી બોલર આકાશ દીપને શ્રેણીની બાકીની ત્રણ મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, પસંદગીકારોએ શ્રેણીની ત્રણ મેચો માટે ટીમ ઈન્ડિયામાં બેકઅપ ફાસ્ટ બોલર તરીકે આકાશ દીપને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. જે અંગે BCCI 10મી ફેબ્રુઆરીએ જાહેરાત કરી શકે છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, આકાશ દીપને ઈંગ્લેન્ડ સાથેની શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ટેસ્ટ ટીમમાં કોલ અપ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં પહેલીવાર આકાશ દીપની પસંદગી કરવામાં આવી છે. અગાઉ આકાશ દીપે ઈંગ્લેન્ડ લાયન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેને ભારતીય ટીમમાં બોલાવવામાં આવ્યો હતો. આકાશ દીપે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
કોણ છે આકાશ દીપ?
બિહારના ફાસ્ટ બોલર આકાશ દીપનો જન્મ વર્ષ 1996માં બિહારના રોહતાસમાં થયો હતો. આકાશ દીપની અત્યાર સુધીની સફર એટલી સરળ રહી નથી. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આકાશ દીપ નાનો હતો ત્યારે તેના પિતા ઈચ્છતા ન હતા કે આકાશ ક્રિકેટર બને. પરંતુ આકાશને નાનપણથી જ ક્રિકેટ રમવાનો અને જોવાનો ખૂબ જ શોખ હતો.2007ના T20 વર્લ્ડ કપમાં જ્યારે ભારતીય ટીમે ટાઈટલ જીત્યું ત્યારે આકાશે નક્કી કરી લીધું હતું કે તેણે પણ ભારત માટે ક્રિકેટ રમવું છે. 27 વર્ષીય આકાશ દીપે બંગાળમાં ટેનિસ બોલ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. આકાશ દીપ તેની સ્પીડ અને ઇનસ્વિંગથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કરે છે.
આકાશ દીપ આઈપીએલ પણ રમી ચૂક્યો છે
આકાશ દીપ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. અત્યાર સુધી તેણે IPLમાં 7 મેચ રમી છે જેમાં તેણે 6 વિકેટ પોતાના નામે કરી છે. હવે ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે પસંદગીકારો તરફથી કોલ મળવો એ આકાશ દીપ માટે ખાસ ક્ષણ છે. ચાહકોને આશા છે કે ટૂંક સમયમાં જ આકાશને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળશે.