IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. રાજકોટમાં પાંચ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પહેલા અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી હતી. હવે ફરી એકવાર ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. તે પહેલા આવો જાણીએ કે પાંચ વર્ષ પછી રાજકોટની પીચની કેવી હાલત થશે. બેટ્સમેન કે બોલર, પીચ કોને સાથ આપશે?
બોલ અને બેટ વચ્ચે સ્પર્ધા થશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસ બેટ્સમેનોના નામે રહેશે. જે બાદ 3, 4 અને 5 તારીખે સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળશે. જોકે, મેચ શરૂ થયાના બે દિવસ બાદ પણ બેટ્સમેનોને પીચમાંથી મદદ મળતી રહેશે. માનવામાં આવે છે કે આ વખતે રાજકોટની પીચ સ્પિનરોને વધુ મદદ કરી શકે છે. જ્યાં પિચ પ્રથમ બે દિવસ બેટિંગ માટે અનુકૂળ રહેશે. સ્પિનરો ઉપરાંત ફાસ્ટ બોલરોને પણ આ પીચ પર મદદ મળવાની આશા છે.
રાજકોટ પીચ રેકોર્ડ
રાજકોટમાં માત્ર 2 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં એક ટેસ્ટ મેચ ભારતે જીતી હતી અને એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. રાજકોટમાં સૌથી ઓછો સ્કોર 181 રન છે જે 2018માં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે બનાવ્યો હતો. આ જ મેચમાં ભારત દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર 649/9 હતો. 2018માં રમાયેલી મેચમાં ભારત તરફથી વિરાટ કોહલી, પૃથ્વી શો અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે કુલદીપ યાદવે બીજા દાવમાં પોતાનો પંજો ખોલ્યો હતો. જેના આધારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 272 રનથી હરાવ્યું હતું.
2016માં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ
2016માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. તે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 537 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન જો રૂટે 124, બેન સ્ટોક્સે 128 અને મોઈન અલીએ 117 રનની સદીની ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડના 537 રનના જવાબમાં ભારત 488 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી મુરલી વિજયે 117 રન અને ચેતેશ્વર પુજારાએ 124 રન બનાવ્યા હતા. આ પછી બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 260 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી. જેના જવાબમાં ભારત પાંચમા દિવસે 7 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.