IND VS ENG:ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી. તેણે શુક્રવારે (16 ફેબ્રુઆરી) ઇંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં જેક ક્રોલીને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર છે. તેના પહેલા પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ આ સિદ્ધિ મેળવી હતી.
અશ્વિન પહેલા આઠ બોલરો ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ મામલે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન ટોપ પર છે. તેણે 133 ટેસ્ટ મેચમાં 800 વિકેટ લીધી છે. કુંબલે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 132 ટેસ્ટમાં 619 વિકેટ છે.
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ખેલાડી દેશ મેચ વિકેટ
મુથૈયા મુરલીધરન શ્રીલંકા 133 800
શેન વોર્ન ઓસ્ટ્રેલિયા 145 708
જેમ્સ એન્ડરસન ઈંગ્લેન્ડ 185 696*
અનિલ કુંબલે ભારત 132 619
સ્ટુઅર્ટ બ્રોડ ઈંગ્લેન્ડ 167 604
ગ્લેન મેકગ્રા ઓસ્ટ્રેલિયા 124 563
કર્ટની વોલ્શ વેસ્ટ ઈન્ડિઝ 132 519
નાથન લિયોન ઓસ્ટ્રેલિયા 127 517
રવિચંદ્રન અશ્વિન ભારત 98 500*
અશ્વિન આ મામલે કુંબલેથી આગળ છે
અશ્વિન સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 500 વિકેટ લેનારો બીજો બોલર બન્યો છે. આ મામલે તેણે અનિલ કુંબલે, ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન અને ગ્લેન મેકગ્રાને પાછળ છોડી દીધા છે. અશ્વિને 98મી ટેસ્ટમાં તેની 500મી વિકેટ લીધી હતી. કુંબલેએ 105, વોર્ને 108 અને મેકગ્રાએ 110 ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. મુરલીધરન આ મામલે ટોચ પર છે. તેણે માત્ર 87 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લીધી હતી.
સૌથી ઓછા બોલમાં 500 વિકેટ ઝડપનાર ખેલાડીઓ
અશ્વિન સૌથી ઓછા બોલમાં 500 વિકેટ લેનારો વિશ્વનો બીજો બોલર બની ગયો છે. તેણે 25714 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. મેકગ્રા તેમનાથી આગળ છે. તેણે 25528 બોલમાં ઓછામાં ઓછી 500 વિકેટ લીધી છે. જેમ્સ એન્ડરસને 28150 બોલમાં 500 અને સ્ટુઅર્ટ બ્રોડે 28430 બોલમાં 500 વિકેટ ઝડપી હતી.