પૂણેઃ અત્યારે પૂણેમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરિઝ રમાઈ રહી છે. શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારે પોતાની હારમાંથી શીખીને ટીમ ઈંગ્લેન્ડ ભારતીય ટીમની નબળાઈઓનો ભરપુર ફાયદો ઉઠાવી બીજી મેચમાં જીત મેળવી શકે છે. પહેલી વનડેની ભૂલોમાં સુધાર કરીને ટીમ ઈન્ડિયા પર વળતો હુમલો કરવો કરી શકે છે. આમ તો ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં જીત ચોક્કસ મેળવી છે પરંતુ ચાર એવી નબળાઈઓ જોવા મળી જેનો ફાયદો મહેમાન ટીમ બીજી વનડેમાં ઉઠાવી શકે છે.
પહેલી કમજોરીઃ નવી ઓપનિંગ જોડી- ઈંગ્લેન્ડની વિરુદ્ધ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા નવી ઓપનિંગ જોડીની સાથે ઉતરી શકે છે. રોહિત શર્મા પહેલી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે ફીલ્ડિંગ કરવા પણ નહોતો આવ્યો. બેટિંગ કરતી વખતે તેના હાથમાં બોલ વાગ્યો હતો. ત્યારબાદ લોહી પણ નીકળ્યું હતું. બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા રોહિતને આરામ આપી શકે છે અને તેના સ્થાને શુભમન ગિલને તક મળી શકે છે. શુભમન ગિલ ટેલેન્ટેડ છે અને તેમાં કોઈ બેમત નથી પરંતુ ટેસ્ટ સીરીઝમાં તે સારું પર્ફોમ નથી કરી શક્યો. શુભમન ગિલના ખરાબ ફોર્મનો ઈંગ્લેન્ડ ફાયદો ઉઠાવી શકે છે અને શરુઆતમાં ટીમ ઈન્ડિયાને ઝટકો આપી પ્રેશર ઊભું કરી શકે છે.
બીજી કમજોરીઃ પાવરપ્લેમાં ધીમી બેટિંગ- પહેલી વનડેમાં રોહિત શર્મા અને શિખર ધવને ટીમ ઈન્ડિયાને ધીમી શરુઆત આપી હતી. જોકે વિરાટ કોહલીએ ક્રીઝ પર આવ્યા બાદ રનરેટમાં વધારો કર્યો હતો અને અંતમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ સ્ફોટક બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને 317 રન સુધી પહોંચાડી દીધી. સામાન્ય રીતે ખરાબ શરૂઆત થયા બાદ તેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે. પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાએ આ કરી બતાવ્યું પરંતુ બીજી વનડેમાં મેજબાનોને ઝડપી શરૂઆત નહીં મળી તો ઈંગ્લેન્ડ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
ત્રીજી કમજોરીઃ પાવરપ્લેમાં નબળી બોલિંગ- ભારતીય ટીમે પહેલી વનડેમાં ઈંગ્લેન્ડને 251 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી પરંતુ એક હકીકત એ પણ છે કે બોલરોએ પાવરપ્લેમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ભારતે પાવરપ્લેની 10 ઓવરમાં 89 રન આપ્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 2020ની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાનું પાવરપ્લેમાં ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું છે. 2020થી અત્યાર સુધી ભારતે પાવરપ્લેમાં માત્ર 4 વિકેટ લીધી છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયા પાવરપ્લેમાં 6.16ના રનરેટથી રન આપતી રહી છે. ઈંગ્લેન્ડ આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે.
ચોથી કમજોરીઃ ટીમ ઈન્ડિયાના સ્પિનર્સની પકડ થોડીક મેચોથી ઢીલી પડી ગઇ છે. ટી20 સીરીઝમાં યુજવેન્દ્ર ચહલે બહુ રન આપ્યા અને પહેલી વનડેમાં કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાને પણ માર પડ્યો. બીજી વનડેમાં જો સ્પિનર્સ નહીં ચાલ્યા તો ઈંગ્લેન્ડ તેનો ફાયદો ઉઠાવવાનું ચૂકશે નહીં.