Cheteshwar Pujara Again Ignored Test Seires: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાના બેટમાં આ દિવસોમાં રણજી ટ્રોફીમાં આગ લાગી છે. તાજેતરમાં રણજી ટ્રોફી 2024માં સૌરાષ્ટ્ર તરફથી રમતા ચેતેશ્વર પૂજારાએ રાજસ્થાન સામે શાનદાર સદી ફટકારી હતી. જે તેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની 62મી સદી હતી. તેમ છતાં ટેસ્ટ ટીમ ઈન્ડિયા દ્વારા ચેતેશ્વર પૂજારાની સતત અવગણના કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, આ દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી બે મેચ રમાઈ છે.
સીરીઝમાં હજુ 3 મેચ બાકી છે, જેના માટે BCCIએ 10 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ચાહકોને આશા હતી કે રણજી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ચેતેશ્વર પૂજારાને ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે, પરંતુ પસંદગીકારોએ ફરી એકવાર પૂજારાની અવગણના કરી છે.
પૂજારાને ટીમમાં સ્થાન ન મળતા પ્રશંસકો ગુસ્સે થયા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. જેને લઈને હવે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર આ સમગ્ર શ્રેણીમાંથી બહાર છે. જે બાદ ચાહકોને આશા હતી કે સિરીઝની બાકીની ત્રણ મેચ માટે ચેતેશ્વર પુજારાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ચાહકોની આશા પર હવે પાણી ફરી વળ્યું છે. પસંદગીકારોએ ફરી એકવાર યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર ચેતેશ્વર પૂજારા વિશે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પસંદગીકારોના આ નિર્ણય પર ઘણા ચાહકોએ નારાજગી વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ચેતેશ્વર પૂજારાને સાઉથ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો ન હતો. જે બાદ પસંદગીકારોના નિર્ણય પર અનેક સવાલો ઉભા થયા હતા. છેલ્લા ઘણા સમયથી પસંદગીકારો યુવા ખેલાડીઓ પર વધુ વિશ્વાસ બતાવી રહ્યા છે. જેના કારણે ચેતેશ્વર પુજારા જેવા સિનિયર ખેલાડી માટે ટીમમાં જગ્યા બનાવવી ખૂબ મુશ્કેલ બની રહી છે.