India vs England 3rd Test: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બાકીની ત્રણ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જાણ કરી છે કે તે શ્રેણીની બાકીની ત્રણ મેચોમાંથી બહાર રહેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કોહલીએ શુક્રવારે તેની ઉપલબ્ધતા અંગે બીસીસીઆઈને જાણ કરી હતી. જે દિવસે પસંદગીકારોએ રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં ટેસ્ટ માટે ટીમ નક્કી કરવા માટે ઓનલાઈન બેઠક યોજી હતી.
શરૂઆતમાં બે મેચમાંથી બહાર હતો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ સીરીઝમાં 5 મેચ રમાશે. વિરાટ કોહલીએ અંગત કારણોસર આ શ્રેણીની પ્રથમ બે મેચથી ટીમમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીએ આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી હતી. બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા બાદ ચાહકો વિરાટ કોહલીના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામ ચાહકોને આશા હતી કે ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે. પરંતુ હવે વિરાટ કોહલીએ પણ ત્રણ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેના ચાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે.
આ પહેલીવાર હશે જ્યારે વિરાટ કોહલી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થશે. હવે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થયો છે, જેના પછી અય્યર પણ આ સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. આ સિવાય કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા હતા. શ્રેણીમાં અત્યાર સુધી બંને ટીમો 1-1થી બરોબર છે. પહેલા ઈંગ્લેન્ડે હૈદરાબાદ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને હરાવ્યું હતું, ત્યારબાદ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 106 રને હરાવ્યું હતું.
પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે
હજુ સુધી BCCIએ શ્રેણીની છેલ્લી ત્રણ મેચ માટે ટીમની જાહેરાત કરી નથી. પસંદગીકારો પણ વિરાટ કોહલીના વાપસીની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે બીસીસીઆઈ જલ્દી જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલા કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટ મેચમાં પણ વાપસી કરી શકે છે. આ સિવાય બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેલો ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે. હવે શ્રેણીની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.