IND vs ENG: વર્લ્ડ કપ 2023ની મેચ લખનૌમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે પાંચ મેચ રમી છે અને તે તમામ જીતી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. પરંતુ એક રસપ્રદ વાત એ છે કે ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષથી વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવી શકી નથી. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ પાસે આ વખતે વિજયના દુકાળને ખતમ કરવાની સુવર્ણ તક છે.
ભારતે છેલ્લે 2003માં વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી ટીમ ઈન્ડિયા જીત મેળવી શકી નથી. વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું. આ પહેલા 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી.
ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ પહેલા તેમની સામે છેલ્લી વર્લ્ડ કપ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 250 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે અડધી સદી ફટકારી હતી. રાહુલ દ્રવિડે 62 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 168 રનના સ્કોર સુધી જ સિમિત રહી ગઈ હતી. આ દરમિયાન આશિષ નેહરાએ ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ ઝડપી હતી. ઝહીર ખાનને 2 વિકેટ મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચો પર નજર કરીએ તો પ્રથમ મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી. તેઓ 1975માં જીત્યા હતા. આ પછી 1983ના વર્લ્ડ કપમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ 1987 અને 1992માં જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ 1999 અને 2003માં જીત મેળવી હતી. 2011માં રમાયેલી મેચ ટાઈ રહી હતી. અને 2019માં ઈંગ્લેન્ડ ફરી જીત્યું.