ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિને લઇને ચોંકાવારું નિવેદન આપ્યું છે. જો કે, અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી ત્યારે નિવૃત્તિ લેશે જ્યારે તેની વિકેટની સંખ્યા 618 પર પહોંચશે. અશ્વિને કહ્યું કે, તે 618 વિકેટ પુરી કરશે ત્યારે તે ખુદ ક્રિકેટને અલવિદા કહેશે. જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે, શું તેની નજરમાં કુંબલેનો સૌથી વધુ વિકેટના રેકોર્ડ પર છે? ત્યારે તેણે કહ્યું કે, ચૌકક્સ રીતે નહીં. હું કુંબલેનો મોટો પ્રશંસક છું. કુંબલેની 619 વિકે છે અને જો મારી 618 વિકેટ થઇ જશે તો હું ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લઇશ.
વન ડે અને ટ્વેન્ટી -20માં આરામ આપવા પર અશ્વિને કહ્યું કે, એક ખેલાડી તરીકે આરામ આપવાનો કે પછી રમાડવા પર મારો કોઇ રોલ નથી. આ બધુ મારા હાથમાં નથી અને એટલા માટે હું તેના પર કશું પણ કહેવા ઇચ્છતો નથી. જ્યાં સુધી મારું માનવું છે કે, આગામી દરેક દિવસ પહેલાથી સારા હશે. હું પ્રત્યેક દિવસ મારી રમતમાં સુધારો લાવી રહ્યો છું અને પહેલાથી વધારે સારો થવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો મને ટીમમાં રમવાની તક મળશે તો હું મારું શ્રેષ્ઠ આપવા ઇચ્છીશ.
ઉલ્લેખનીય છે કે, અશ્વિને અત્યાર સુધી 52 ટેસ્ટ મેચમાં 25.26ની એવરેજથી 292 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. ટેસ્ટમાં અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં પાંચમા નંબર પર છે. અશ્વિનથી આગળ કુંબલે (619), કપિલ દેવ (434), હરભજન સિંહ (417) અને ઝહીર ખાન (311) છે. અશ્વિન ટેસ્ટમાં ભારતીય ટીમનો ભાગ છે પરંતુ, તે વન ડે અને ટ્વેન્ટી-20 ટીમથી બહાર ચાલી રહ્યો છે. અશ્વિને ભારત તરફથી પોતાની છેલ્લી વન ડે મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટઇન્ડિઝ સામે અને છેલ્લી ટ્વેન્ટી-20 મેચ 9 જુલાઇ 2017 ના રોજ વેસ્ટઇન્ઝિ સામે રમી હતી.