ICC Chairman Jay Shah જય શાહે બોત્સ્વાનાની મુલાકાત લઈને ICCના ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું
ICC Chairman Jay Shah આઈસીસીના ચેરમેન તરીકે જય શાહે એક મહત્વપૂર્ણ ઉપક્રમ હાથ ધર્યું છે, જેમાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના વિસ્તરણ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. તેઓ ઈતિહાસમાં બોત્સ્વાનાની મુલાકાત લેનાર પ્રથમ ICC ચેરમેન બન્યા છે, અને આ સફર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દૃષ્ટિએ મોખરાની ગણાય છે.
જય શાહે તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં આયોજિત ICC મીટિંગમાં ભાગ લીધો હતો, ત્યારબાદ 14 થી 16 એપ્રિલ 2025 દરમિયાન બોત્સ્વાનાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બોત્સ્વાના ક્રિકેટ એસોસિએશન (BCA) અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી, જેમાં દેશમાં ક્રિકેટના વિકાસ માટે વિવિધ પ્રયત્નોની સમીક્ષા કરવામાં આવી.
આ પ્રવાસ દરમિયાન શાહે રાજધાની ગેબોરોનમાં આવેલ વાઇલ્ડલાઇફ પાર્કની મુલાકાત પણ લીધી અને સ્થાનિક ખેલ પ્રાધિકારીઓ, રમતગમત મંત્રી તથા બોત્સ્વાના નેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી. આ મુલાકાતનું આયોજન ભારતીય હાઈ કમિશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય અને બોત્સ્વાનાઈ સંબંધોને વધુ મજબૂતી આપવામાં આવી.
શાહની મુલાકાત માત્ર એક મુલાકાત નહીં રહી, પણ તેણે આગામી 2027 વર્લ્ડ કપની તૈયારીઓની પણ સમીક્ષા કરી. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે. શાહે દક્ષિણ આફ્રિકાના વાન્ડરર્સ અને સેન્ચુરિયન ગ્રાઉન્ડની મુલાકાત લઈ ત્યાંની પિચોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.
2027 વર્લ્ડ કપમાં પહેલી વાર 14 ટીમો ભાગ લેશે અને કુલ 54 મેચ રમાશે. જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન તરીકે ક્વોલિફાઈ થઈ ગયા છે, ત્યાં નામિબિયાને યજમાન હોવા છતાં ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
જય શાહની આ પહેલ માત્ર રમતગમત નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતના પ્રતિનિધિત્વને પણ નવા મંચે લાવનારી સાબિત થઈ રહી છે.