ICC Chairman: BCCI સેક્રેટરી જય શાહ હવે ICCના અધ્યક્ષ બની ગયા છે. જય શાહ ICC અધ્યક્ષ પદ સંભાળનાર પ્રથમ નહીં પરંતુ પાંચમા ભારતીય હશે.
ICC Chairman: જય શાહને ગત મંગળવારે (27 જુલાઈ) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બનવાની જાહેરાત કરવામાં આવી હતી. જય શાહ, જેઓ અત્યાર સુધી BCCI સેક્રેટરીની જવાબદારી નિભાવી રહ્યા છે, તેઓ 1 ડિસેમ્બરથી ICC અધ્યક્ષનો કાર્યભાર સંભાળશે. જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા. ICCના અધ્યક્ષ બનનાર તેઓ પ્રથમ નહીં પરંતુ પાંચમા ભારતીય છે. તો ચાલો જાણીએ કે આ પહેલા કયા ભારતીયોએ આ પદ સંભાળ્યું છે.
જગમોહન દાલમિયા
જગમોહન દાલમિયા ICCના અધ્યક્ષ બનનાર પ્રથમ ભારતીય હતા. તેઓ 1997 થી 2000 સુધી ICC અધ્યક્ષ પદે રહ્યા હતા. જોકે, હવે જગમોહન દાલમિયા આ દુનિયામાં નથી. 21 સપ્ટેમ્બર, 2015ના રોજ તેમનું અવસાન થયું હતું.
શરદ પવાર
શરદ પવાર ICCના અધ્યક્ષ બનનાર બીજા ભારતીય બન્યા. ભારતીય રાજનીતિના મોટા ચહેરા શરદ પવારે 2010 થી 2012 સુધી આ પદ પર કામ કર્યું હતું. ICCમાં પદ સંભાળતા પહેલા તેઓ BCCIના અધ્યક્ષ પણ હતા. શરદ પવાર 2005 થી 2008 સુધી બીસીસીઆઈના અધ્યક્ષ હતા.
એન શ્રીનિવાસન
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ચેન્નાઈ સુપર કિંગ્સના સહ-માલિક એન શ્રીનિવાસન પણ આઈસીસી અધ્યક્ષનું પદ સંભાળી ચુક્યા છે. એન શ્રીનિવાસને 2014 થી 2015 સુધી ICC અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. એન શ્રીનિવાસન પ્રમુખ બન્યા પછી જ ICCના આ પદનું નામ બદલીને ‘ચેરમેન’ કરવામાં આવ્યું.
શશાંક મનોહર
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શશાંક મનોહર પણ આઈસીસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ICC અધ્યક્ષ તરીકે શશાંક મનોહરનો કાર્યકાળ 2015 થી 2020 સુધી ચાલ્યો હતો.
જય શાહ 1 ડિસેમ્બર, 2024થી ચાર્જ સંભાળશે
તમને જણાવી દઈએ કે હવે નવનિયુક્ત જય શાહ 1 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષનું પદ સંભાળશે. ન્યૂઝીલેન્ડના વર્તમાન ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થશે. ગ્રેગ બાર્કલે 2020 થી ICCના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ત્રીજી વખત આ પદ સંભાળવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ જય શાહ આ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા.