IPL 2024: IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું છે. હૈદરાબાદે 60 બોલ બાકી રહેતા 166 રનના ટાર્ગેટનો પીછો કર્યો અને 10 વિકેટે જીત મેળવી લીધી. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે 10 ઓવરમાં રનનો પીછો કર્યો હોય. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 9.4 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. SRH તરફથી ટ્રેવિસ હેડ 30 બોલમાં 89 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે અભિષેક શર્મા 28 બોલમાં 75 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. લખનૌ સામે હૈદરાબાદની આ પ્રથમ જીત છે.
લખનૌની બેટિંગ આવી હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમારે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી 3 નંબર પર બેટિંગ કરવા આવેલા માર્કસ સ્ટોઇનિસ પણ માત્ર 3 રન બનાવીને વિદાય થયો હતો. ભુવનેશ્વર કુમારે પણ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ પેટ કમિન્સે 57 રનના સ્કોર પર લખનૌને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે કેએલ રાહુલને આઉટ કર્યો. રાહુલે 33 બોલમાં 29 રન બનાવ્યા હતા.
આ પછી કૃણાલ પંડ્યા 21 બોલમાં 24 રન બનાવીને રનઆઉટ થયો હતો. તે કમિન્સ દ્વારા રન આઉટ થયો હતો. આ પછી નિકોલસ પુરન અને આયુષ બદોનીએ ઈનિંગને 165 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. આયુષ બદોનીએ 30 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 55 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે નિકોલસ પુરને 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 48 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે પેટ કમિન્સને 1 વિકેટ મળી હતી.
