ઓલ્ડટ્રેફર્ડ પર રમાઇ રહેલી ચોથી એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે રોરી બર્ન્સ અને જો રૂટની વળતી લડત પછી ઇંગ્લેન્ડે 5 વિકેટે 200 રનનો સ્કોર બનાવીને હજુ મુશ્કેલી હેઠળ છે. રોરી બર્ન્સ 81 અને જો રૂટ 71 રન કરીને આઉટ થયા હતા અને ઓસ્ટ્રેલિયા કરતાં હજુ તેઓ 297 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે સ્ટીવ સ્મિથની બેવડી સદીના સથવારે 8 વિકેટે 497 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો.
બીજા દિવસે 10 રનમાં જ એક વિકેટ ગુમાવી દેનાર ઇંગલેન્ડે ગુરૂવારના 1 વિકેટે 23 રનથી દાવ આગળ ધપાવ્યો તે પછી 9 રનના ઉમેરા પછી નાઇટ વોચમેન ક્રિસ ઓવર્ટનની વિકેટ ગુમાવી દીધી હતી અને તેમનો સ્કોર 2 વિકેટે 25 રન થયો હતો. જોકે અહીંથી રોરી બર્ન્સ સાથે રમતમાં જોડાયેલા કેપ્ટન જો રૂટે સાવચેતીભર્યો અભિગમ અપનાવીને ધીરે ધીરે રન જોડવાનું શરૂ કર્યું હતું.
આ બંનેએ 141 રનની ભાગીદારી થઇ હતી ત્યારે બર્ન્સ 81 રન કરીને આઉટ થયો હતો. તે પછી 9 રન સ્કોરમાં ઉમેરાયા અને રૂટ પણ અંગત 71 રને આઉટ થયો હતો. જેસન રોયનો ક્રમ બદલાયો પણ તેનું નસીબ બદલાયુ નહોતું અને તે 22 રન કરીને આઉટ થયો હતો. ત્રીજા દિવસના અંતે બેન સ્ટોક્સ 7 અને જોની બેયરસ્ટો 2 રને રમતમાં હતા અને ઇંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટે 200 રન થયો હતો.