મુંબઇ : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દીક પંડ્યાને શ્રીલંકા 16 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઈના સિલેક્ટર્સે હાર્દિકને અગાઉ પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમમાં સામેલ કર્યો હતો., જોકે ત્યાર બાદ હાર્દીક પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો હતો. સિલેક્ટર્સે પંડ્યાના સ્થાને અન્ય કોઈને ટીમમાં સામેલ કર્યો નથી. ટીમમાંથી બહાર થતા જ પંડ્યાએ ટ્વિટના માધ્યમથી પોતાના વિચાર જણાવ્યાં હતા.
પંડ્યાએ ટ્વિટર પર લખી આ વાત…
શ્રીલંકા સામેની પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર થયાના એક દિવસ બાદ હાર્દિક પંડ્યાએ ટ્વિટ કરતા લખ્યું કે,‘પરિવર્તનથી ના ડરો. તે તમને નવા પ્રારંભ તરફ આગળ ધપાવે છે.’ પંડ્યાએ પોતાની આ ટ્વિટ થકી સંદેશ આપ્યો કે, તે નિરાશ નથી અને નવેસરથી શરુઆત કરવા માટે તૈયાર છે. સિનિયર સિલેક્શન કમિટીએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ પંડ્યાને આરામ આપવાનો નિર્ણય લીધો હતો. સિલેક્ટર્સે જણાવ્યું કે, પંડ્યા છેલ્લા ઘણા સમયથી સતત રમી રહ્યો છે. તેને મોટી ઈજાથી બચાવવા માટે એક આરામની જરૂર છે. રેસ્ટ દરમિયાન પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે કંડીશનિંગ પ્રક્રિયામાંથી પસાર થશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની અંતિમ ટી20 મેચની ફાઈનલ ઓવર દરમિયાન પંડ્યાને હાથમાં ઈજા થઈ હતી. જે પછી સિલેક્ટર્સ પંડ્યાને એનસીએ ખાતે મોકલવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં તે ફિટનેસ પર ધ્યાન આપશે.