ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને રીલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા હવે ફરી પોતાની જૂની ટીમ એવી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરશે. આ સમાચારની વાત કરીએ તો ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ સમર્થન આપ્યું છે. જ્યારે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
મુંબઈનો આ પ્યેર આવશે ગુજરાત
હાર્દિક પંડ્યાની અદલાબદલી મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સાથે કરવામાં આવી છે. જો કે તે ખેલાડી કોણ છે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાતની ટીમમાં આવી શકે છે અને હાર્દિક મુંબઈની કેપ્ટન્સી કરશે. એવા પણ સમાચાર હતા કે હાર્દિક પંડ્યાને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે અદલા બદલી કરવામાં આવશે.
પ્રથમ સિઝનમાં જ ગુજરાતને બનાવ્યું હતું ચેમ્પિયન
ગુજરાત ટાઇટન્સ ટીમ વર્ષ 2022ની સિઝનમાં પ્રથમ વખત IPLમાં પ્રવેશી હતી. હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમે પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. આ ઉપરાંત ગુજરાતની ટીમ વર્ષ 2023ની સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.