ભારતીય ટીમમાં એક બેટ્સમેન તરીકે સામેલ થયેલા આંધ્રપ્રદેશનો ખેલાડી હનુમા વિહારી હાલમાં પોતાની ઓફ સ્પિન બોલિંગને ધાર આપવામાં જોતરાયો છે કે જેથી તે ટીમમાં પાંચમા બોલરની ગરજ સારી શકે. વિહારીએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે માત્ર મારા માટે જ નહીં પણ ટીમ માટે પણ એ જરૂરી છે કે હું મારી ઓફ સ્પિન બોલિંગમાં સુધારો કરવાનું ચાલુ રાખું. જો વિહારી પોતાની સ્પિન ધાર તેજ કરી લેશે તો અશ્વિને કાયમ માટે બહાર બેસવાનો વારો આવશે.
જો ટીમને જરૂર પડશે તો હું રવિચંદ્રન અશ્વિનની પાસેથી બોલિંગ સુધારવા અંગેની શિખ લેવા માટે તૈયાર છું. વિહારીએ કહ્યું હતું કે તે નસીબદાર છે કે ભારતીય ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ઓફ સ્પિનર પાસેથી તે મદદ મેળવી શકે છે. તેની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો એને ઓફ સ્પિન બોલિંગ પર ચર્ચા કરવી મારા માટે જોરદાર બાબત છે.