વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં 81 અને 102 રનની ઇનિંગ રમીને પોતાની રિધમ પ્રાપ્ત કરનારા ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ કહ્યું હતું કે મારું આ પ્રદર્શન એ લોકોને સમર્પિત છે જેમણે છેલ્લા બે વર્ષના સંઘર્ષમાં મારો સાથ આપ્યો છે. મેચ પછી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા રહાણેએ કહ્યું હતું કે તેના માટે આ સદી ખાસ છે. છેલ્લી 17 ટેસ્ટથી સદીથી વંચિત રહાણેએ આ સદી ફટકારવા સાથે હાશકારો લીધો છે.
તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાતી ટેસ્ટ સિરીઝની પહેલી મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારીને પોતાની ટેસ્ટ કેરિયરની 10મી સદી પુરી કરી છે. તેણે પહેલી ઇનિંગમાં 81 રન બનાવ્યા હતા અને તેના મતે પહેલા દાવના એ 81 રન અતિ મહત્વના હતા.