નવી દિલ્હી : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે લોર્ડ્સમાં થયેલા નુકસાનનો બદલો લીડ્સમાં લીધો છે. હેડિંગ્લી લીડ્સ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હરાવી હતી. ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા ટીમ ઈન્ડિયા ટિમ પોતાના પ્રથમ દાવમાં માત્ર 78 રન જ બનાવી શકી હતી. આ પછી, ઇંગ્લેન્ડે તેમના બેટ્સમેનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે પ્રથમ દાવમાં 432 રન બનાવ્યા બાદ 354 રનની વિશાળ લીડ મેળવી હતી. જવાબમાં, ત્રીજા દિવસે લડત આપનાર ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે હથિયાર નાખ્યા અને સમગ્ર ટીમ માત્ર 278 રનમાં સમેટાઈ ગઈ. આ સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે.
આ રીતે, ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ ઇનિંગ્સ અને 76 રનથી જીતી લીધી. ઈંગ્લેન્ડની આ જીતનો હીરો ઝડપી બોલર ઓલી રોબિન્સન હતો. તેણે પ્રથમ ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. આ સિવાય ક્રેગ ઓવરટોને બીજી ઇનિંગમાં પણ ત્રણ વિકેટ લીધી હતી.
ઓલી રોબિન્સને બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી
પ્રથમ દાવમાં માત્ર બે વિકેટ લેનાર ઝડપી બોલર ઓલી રોબિન્સને બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી. તેણે રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને ઋષભ પંત જેવા મોટા બેટ્સમેનોની વિકેટ લીધી હતી. ચોથા દિવસે ભારતીય બેટ્સમેનો રોબિન્સનની બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગયા હતા. રોબિન્સને છ મેઇડન સાથે 26 ઓવરમાં 65 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
ભારતે ચોથા દિવસે માત્ર 63 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી
ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટે 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા 91 અને કેપ્ટન વિરાટ કોહલી 45 રને અણનમ રહ્યા હતા. પરંતુ ચોથા દિવસે ઇંગ્લેન્ડના બોલરોએ નવા બોલથી તબાહી મચાવી દીધી હતી. ઇંગ્લેન્ડના બોલરોએ નિયમિત અંતરે વિકેટ લીધી. ચોથા દિવસે ભારતીય ટીમે માત્ર 63 રનની અંદર તેની આઠ વિકેટ ગુમાવી દીધી હતી.
ઓવરટને પણ કમાલ કરી
ઓલી રોબિન્સન ઉપરાંત ફાસ્ટ બોલર ક્રેગ ઓવરટને પણ આશ્ચર્યજનક બોલિંગ કરી હતી. તેણે 47 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં પણ ઓવરટને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.