લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી બીજી એશિઝ ટેસ્ટના રવિવારના પાંચમા દિવસે ઇંગ્લેન્ડે 5 વિકેટે 258 રનના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કરીને ઓસ્ટ્રેલિયાને દિવસની બાકી રહેલી 48 ઓવરમાં 267 રન કરી લેવાનો પડકાર ફેંક્યો હતો. બેન સ્ટોક્સે જેવી પોતાની સદી પુરી કરી તે પછી જ્યારે તે115 રને હતો તે સમયે જો રૂટે દાવ ડિકલેર કર્યો હતો.
આ પહેલા ગઇકાલના 4 વિકેટે 96 રનના સ્કોરથી આજે દિવસની રમતની શરૂઆત સ્ટોક્સ અને જોશ બટલર દ્વારા કરવામાં આવી હતી. બંનેએ મળીને 90 રનની ભાગીદારી કરી હતી. તે પછી જ્યારે સ્કોર 161 પર પહોંચ્યો ત્યારે બટલર 31 રન કરીને આઉટ થયો હતો. તે પછી સ્ટોક્સે જોની બેયરસ્ટો સાથે મળીને 97 રનની ભાગીદારી કરીને સ્કોર 5 વિકેટે 258 પર પહોંચાડ્યો કે તરત જ રૂટે તેમને પાછા બોલાવી લીધા હતા. સ્ટોક્સ 115 રને જ્યારે બેયરસ્ટો 30 રને નોટઆઉટ રહ્યા હતા.