બુધવારથી અહીંના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થઇ રહી છે, ત્યારે બદલાયેલા બોલિંગ આક્રમણ સાથે મેદાને પડનારી યજમાન ઇઇંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને કાબુંમાં લેવા માટે ઝડપી બોલર જોફ્રા આર્ચર સફળ રહેશે અને એશિઝ સિરીઝ બરોબરી કરવામાં સફળતા મળશે એવી આશા છે.
18 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવાની કવાયતમાં જોતરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ટેસ્ટની બંને ઇનિંગમાં સ્મિથની જોરદાર ઇનિંગને પ્રતાપે 251 રને જીત મેળવી હતી. બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે 12 મહિનાનો પ્રતિબંધ વેઠીને આવેલા સ્મિથે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ ગુમાવ્યા પછી બે વાર એશિઝ સિરીઝ જીતી છે. જેમાં પહેલીવાર 1981માં ઇયાન બોથમના જોરદાર પ્રદર્શનથી અને બીજીવાર 2005માં તેમણે જીત મેળવી હતી.
એજબેસ્ટન ટેસ્ટમાં ઇજાને કારણે માત્ર 4 ઓવર બોલિંગ કરનારા જેમ્સ એન્ડરસનને સ્થાને જોફ્રા આર્ચરનો જ્યારે પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહેલા મોઇન અલીના સ્થાને ડાબોડી સ્પિનર જેક લિચનો સમાવેશ કરાયો છે. લિચે આયરલેન્ડ સામેની ટેસ્ટમાં ઓપનીંગ આવીને સદી ફટકારી હતી. ડાબોડી સ્પિનર સ્મિથની નબળાઇ હોવાનું કહેવાય છે.
ફેફસાના કેન્સર અંગે જાગ્રુતિ આણવા એશિઝ ટેસ્ટમાં બંને ટીમના ખેલાડી લાલ ટોપી પહેરશે
બુધવારથી શરૂ થઇ રહેલી એશિઝ સિરીઝની બીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ મેદાન પર લાલ ટોપી પહેરેલા જોવા મળશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને મેરિલબોન ક્રિકેટ ક્લબે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે મળીને રૂથ સ્ટ્રોસ ફાઉન્ડેશનનું સમર્થન કરવાના લીધેલા નિર્ણય હેઠળ ખેલાડીઓ લાલ ટોપી ધારણ કરશે. રૂથ સ્ટ્રોસ એ ઇંગ્લીશ ક્રિકેટર એન્ડ્રુ સ્ટ્રોસની પત્ની છે અને તેનું ફેફસાના કેન્સરને કારણે નિધન થયું હતું અને તેથી સ્ટ્રોસે પોતાની પત્નીના નામે આ ફાઉન્ડેશન શરૂ કર્યું છે. બંને ટીમના ખેલાડીઓ લોકોમાં ફેફસાના કેન્સર અંગે જાગ્રુતિ આણવા માટે લાલ ટોપી ધારણ કરશે.