ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વહીવટદારોની કમિટી (સીઓએ)ના સભ્ય ડાયેના એદલજીએ એવું સ્વીકાર્યુ હતું કે સીઓએને બીસીસીઆઇના દૈનિક સંચાલનમાં હિતોના ટકરાવને લાગુ કરવામાં વ્યવહારિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મુદ્દે હવે વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે.
એદલજી અને તેના સાથી લેફ્ટનન્ટ જનલર રવિ થોડગેએ માજી રાષ્ટ્રીય કેપ્ટનો દિલીપ વેંગસરકર અને સૌરવ ગાંગુલીની સ્કાઇપે દ્વારા તેમજ માજી અને હાલના ક્રિકેટરો સાથે મુલાકાત કરીને સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુકત જસ્ટિસ આરએમ લોઢા કમિતીના વિવાદાસ્પદ નિયમથી થઇ રહેલી સમસ્યા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંજય માંજરેકર, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, અજીત અગારકર અને રોહન ગાવસ્કરે પણ ભાગ લીધો હતો.
બેઠક પછી એદલજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિતોના ટકરાવના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ક્રિકેટરોને શું સમસ્યા નડી રહી છે, અમને તે લાગુ કરવામાં શું સમસ્યા નડી રહી છે. તે અંગે ઘણી ઉપયોગી ચર્ચા કરવામાં આવી હતી.