વહીવટદારોની કમિટીએ મંગળવારે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમીના ક્રિકેટ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા રાહુલ દ્રવિડ સામે હિતોના ટકરાવનો કોઇ મુદ્દો નથી. સીઓએના નવા સભ્ય લેફ્ટનન્ટ જનરલ રિવ થોડગેએ કહ્યું હતું કે બોલ હવે બીસીસીઆઇના લોકપાલ અને એથિક્સ ઓફિસર ડી કે જૈનની કોર્ટમાં છે.
થોડગેએ કહ્યું હતું કે રાહુલ મામલે હિતોના ટકરાવનો મુદ્દો નથી. તેને નોટિસ મળી હતી, પણ તેની નિયુક્તિને અમે મંજૂરી આપી છે અને અમને તેમાં હિતોના ટકરાવનો કોઇ મુદ્દો જણાયો નથી. પણ જો લોકપાલને એવું લાગતું હોય તો અમે તેમની સામે અમારા પક્ષની સ્પષ્ટતા કરીશું.
તેમણે કહ્યું હતું કે તે પછી તેઓ તેના પર ધ્યાન આપશે. આ એક પ્રક્રિયા છે જે ચાલતી રહેશે. ભારતીય ક્રિકેટના સૌથી સન્માનિય ખેલાડીઓમાંથી એક એવા રાહુલ દ્રવિડને એનસીએમાં નિયુક્ત કરાયા પછી તેની પર ચેન્નઇ સુપર કિંગ્સની માલિક ઇન્ડિયા સિમેન્ટનો કર્મચારી હોવાને કારણે હિતોના ટકરાવનો આરોપ મુકાયો હતો. દ્રવિડે પોતાનો જવાબ લોકપાલ જૈનને મોકલાવી દીધો છે, પણ એ જાણ નથી થઇ કે તેણે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે કે કેમ.
સીઓએ દ્વારા તેની નિયુક્તિ સમયે જ સ્પષ્ટ કરાયું હતું કે દ્રવિડે ઇન્ડિયા સિમેન્ટનું પદ છોડવું પડશે અથવા તો તેનો કાર્યકાળ ચાલે ત્યાં સુધી રજા પર ઉતરી જવું પડશે. દ્રવિડે ઇન્ડિયા સિમેન્ટમાંથી રજા માગી હતી અને તે પછી એમપીસીએના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ તેની સામે લોકપાલને ફરિયાદ કરી હતી.