ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ICCની ચાર દિવસીય ટેસ્ટ મેચ માટે પોતાની અનિચ્છા દર્શાવી છે. તાજેતરમાં ઓકલેન્ડમાં મળેલી બેઠકમાં ICCએ નવ દેશો વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટી-૨૦ ક્રિકેટના ઝડપી વિકાસને જોઇને પાંચ દિવસના સ્થાને ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવાની વાતને સમર્થન આપ્યું હતું. આ માટે ડિસેમ્બરમાં ટ્રાયલ રૂપે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન કરવા સહમતી પણ આપી હતી. જોકે, સ્મિથ અને ડેવિડ વોર્નર બંનેને ચાર દિવસની ટેસ્ટ મેચ રમવામાં કોઇ રસ નથી.
સ્ટીવ સ્મિથે શું કહ્યું
સ્ટીવન સ્મિથે જણાવ્યું હતું કે “તેને પાંચ દિવસની ટેસ્ટ મેચ પસંદ છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે મેચ પાંચમાં દિવસ સુધી જાય છે અને અંતિમ કલાકોમાં તે રસપ્રદ બની જાય છે.”
શું કહ્યું ડેવિડ વોર્નરે:
ડેવિડ વોર્નરે પણ સ્મિથની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે “ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ સધરલેન્ડે ચાર દિવસની ટેસ્ટ મેચ યોજવાની વાતને સમર્થન આપ્યું હતું પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને આ પ્રકારની ટેસ્ટ મેચમાં ભાગ લેવામાં સમય લાગશે.”