ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવવા તેમજ બીસીસીઆઇની આગામી ચૂંટણી મામલે આવતીકાલે મંગળવારે અહીં યોજાનારી વહીવટદારોની કમિટી (સીઓએ)ની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. ગત અઠવાડિયે બીસીસીઆઇએ નાડા હેઠળ આવવાની સહમતિ દર્શાવી તે પછી સીઓએની આ પહેલી બેઠક હશે.
સીઓએ સભ્યો વચ્ચે એવી ચર્ચા થવાની સંભાવના છે કે આ નવા ફેરફારને બીસીસીઆઇના બંધારણમાં કેવી રીતે સ્થાન આપવામાં આવે. વર્ષો સુધી નન્નો ભણ્યા પછી બીસીસીઆઇએ ગત શુક્રવારે નાડા હેઠળ આવવાની તૈયારી બતાવી છે. એવું માનવામાં આવે છે કે ડોપિંગ મામલે ઝીરો ટોલરન્સની નીતિને કારણે સીઓએ આ મુદ્દે લાંબી ચર્ચા કરી શકે છે. વિનોદ રાય, ડાયેના એદલજી અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રવિ થોડગેની સમિતિ રાજ્ય એસોસિએશનોની ચૂંટણી સંદર્ભે અને તે પછી થનારી બીસીસીઆઇની ચૂંટણી બાબતે પણ સ્થિતિનું નિરિક્ષણ કરશે.
કમિટી એ બાબતે ધ્યાન આપશે કે કેટલા રાજ્ય એસોસિએશને લોઢા કમિટીની ભલામણોને અપનાવી છે અને કેટલા એસોસિએશને હજુ સુધી તેને લાગુ નથી કરી. રાજ્ય એસોસિએશનોએ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં પોતાની ચૂંટણી પ્રક્રિયા પુરી કરવી પડશે.