સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલી બીસીસીઆઇની વહીવટદારોની કમિટી (સીઓએ)એ રાજ્ય એસોસિએશનની ચૂંટણી પુરી કરવાની સમય મર્યાદા 28 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ પહેલા આ સમયમર્યાદા 14 સપ્ટેમ્બરની હતી.
સીઓએની એક બેઠક પછી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે રાજ્ય એસોસિએશનોને ચૂંટણી પુરી કરવા માટેની સમય મર્યાદા 14થી વધારીને 28 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તેમાં સાથે જ કહેવાયું હતું કે આ પછી સમયમર્યાદામાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં કારણકે બીસીસીઆઇની ચૂંટણી સાથે જોડાયેલી એજીએમની નોટિસ 22 ઓક્ટોબરથી 21 દિવસ પહેલા જાહેર કરવી પડશે જે 30 સપ્ટેમ્બરે આવે છે.
રાજ્ય એસોસિએશનોએ બીસીસીઆઇ ચૂંટણી માટે બીસીસીઆઇને પોતાના પ્રતિનિધિઓના નામ મોકલવા પડશે એવું કહીને સીઓએ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઇની ચૂંટણીની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે. સીઓએએ કહ્યું છે કે જે રાજ્ય એસોસિએશનોએ પોતાના સુધારેલા બંધારણને મંજૂરી માટે વહીવટદારોની કમિટીને મોકલ્યા છે અને ચૂંટણી માટે ચૂંટણી કમિશનર નથી નિમ્યા કે ચૂંટણી માટેની નોટિસ પણ નથી મોકલી એ તમામ આ તમામ બાબતો 12 સપ્ટેમ્બર પહેલા પુરી કરી લે.