જ્યારે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સિક્સ મારવાની કે સિક્સના રેકોર્ડની વાત આવે એટલે સૌથી પહેલો વિચાર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો જ આવી જાય. સ્વાભાવિક છે કે, રોહિત શર્મા એવા ખેલાડીઓ પૈકીના એક છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગા મારવાની વાત આવે ત્યારે કોઈને પોતાની આસપાસ પણ ફરકવા જ દેતા નથી. પરંતુ જો આપને કહેવામાં આવે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા કરતા પણ મોટો સિક્સર ફટકારનાર બેટ્સમેન રહ્યો છે, તો સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય. પણ આ વાત એટલી જ સાચી છે. જીહા, મળતી માહિતી અનુસાર યુએઇના મોહમ્મદ વસીમે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે.
પહેલા તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો. જે હવે સંયુક્ત આરબ અમીરાતના મોહમ્મદ વસીમના નામે છે. મોહમમ્દ વસીમે રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ વસીમે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વાસ્તવમાં યુએઇનો વસીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં 100 કે તેથી વધુ સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ પહેલા કોઈ પણ બેટ્સમેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં 80થી વધુ સિક્સર ફટકારી ન હતી, 80 સિક્સર મારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેના પર સંયુક્ત આરબ અમીરાતના મોહમ્મદ વસીમે પાણી ફેરવી દીધું છે.
ગત વર્ષે એટલે કે 2023માં, મોહમ્મદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 101 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે 80 છગ્ગા મારનાર રોહિત શર્મા બીજા ક્રમે રહ્યા છે. વસીમ 2023માં ટી 20 અને વનડે ક્રિકેટ રમ્યો હતો. તે જ સમયે, ભારતીય કેપ્ટને 2023 માં વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમી હતી. જયારે કે રોહિત શર્માએ 2023માં એક પણ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ન હતી.
છેલ્લા કેટલાક ગણતરીના વર્ષોની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2018માં રોહિત શર્માએ 74 સિક્સર, 2019માં 78 સિક્સર ફટકારી હતી. જયારે વર્ષ 2022માં ભારતના સૂર્યકુમાર યાદવે 74 સિક્સર ફટકારી હતી. તો વર્ષ 2023માં રોહિત શર્માએ 80 સિક્સર ફટકારી હતી અને આ જ વર્ષમાં યુએઇના મોહમ્મદ વસીમે 101 સિક્સર ફટકારતા રોહિત શર્માનો રેકોર્ડ બ્રેક કર્યો છે.