સ્પોટ ફિક્સીંગને કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)માંથી બે વર્ષનો પ્રતિબંધ વેઠ્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઇ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક મની લોન્ડરિંગની તપાસમાં કેટલીક નાણાકીય ગેરરિતી ઝડપી પાડી છે. આ ગેરરિતીમાં જણાયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએફસી) દ્વારા ચેન્નઇ સુપર કિંગ્સમાં રૂ. 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર આ રોકાણ 2018માં કરવામાં આવ્યું હતું. આ રોકાણ પાછળનુ કારણ જાણવાના પ્રયાસો ઇડી દ્વારા શરૂ કરી દેવાયા છે. એ ઉલ્લેખનીય છે કે 2018માં જ ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલમાં બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરી હતી. સ્પોટ ફિક્સીંગના કારણે સીએસકે 2016 અને 2017માં આઇપીએલમાં રમી શકી નહોતી.
ઇડી જ્યારે આઇએલએન્ડએફએસના લોન અને રોકાણ બાબતે તપાસ કરી રહ્યું હતું ત્યારે તેને આ વાતની જાણ થઇ હતી. ઇડીએ એવું તારવ્યું હતું કે આ રોકાણ ખાસ રોકાણ કેટેગરી હેઠળ કરવામાં આવ્યું હતું. ઇડી આ મામલે હાલમાં લેવડદેવડ અને તેની કાયદેસરતા અંગે તપાસ કતરી રહ્યું છે. અહેવાલ અનુસાર આ મામલે ચેન્નઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝીની પુછપરછ કરવામાં આવી શકે છે. ત્રણવારની આઇપીએલ ચેમ્પિયન ટીમને આ લેવડદેવડ મામલે સવાલો કરવામાં આવી શકે છે.