નવી દિલ્હીઃ આગામી નવ એપ્રિલથી ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2021ની શરુઆત થશે ત્યારે આઈપીએલની તમામ ટીમે તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. આ જર્સી ઉપર ભારતીય સેનાને સન્માન આપી કેમોક્લોઝ પણ દર્શાવવામાં આવ્યો છે.
કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની નવી જર્સીને લોન્ચ કરી હતી. તેના બાદ સોશિયલ મીડિયામાં ચેન્નાઇ સુપર કિંગ્સની નવી જર્સીને લઇને લોકોએ પણ ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ એ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાને ટેગ કરીને ટ્વીટ કર્યુ હતુ કે, અમે નવા અવતારમાં આપને જોવાનો વધારે ઇંતઝાર નથી કરી શકતા.
ચેન્નાઇ સુપર કિંગ્સ એ પોતાની પ્રથમ મેચ 10 એપ્રિલ એ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ મુંબઇમાં રમાનારી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ એ આ વખતે પોતાની તમામ લીગ મેચ મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ અને કલકત્તામાં રમવાની છે. કોવિડ-19 મહામારીને લઇને આ વખતે આઇપીએલ મેચને ઓછા સ્થળો પર જ રમાડવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના પાછળની સિઝનમાં નહોતો રમી શક્યો. દુબઇ પહોંચ્યા બાદ વ્યક્તિગત કારણોનો હવાલો આપીને તે આઇપીએલમાંથી હટી ગયો હતો. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 4 માર્ચે ચેન્નાઇ પહોંચ્યો હતો અને સીએસકે ટીમ સાથે જોડાયો હતો.
આઇપીએલ ટાઇટલને ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણ વાર જીતી શક્યુ છે. જોકે ગત સિઝન ચેન્નાઇ માટે સારી રહી નહોતી. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. આ સિઝનમાં પણ ટીમની સાથે મોઇન અલી, ચેતેશ્વર પુજારા, કૃષ્ણપ્પા ગૌતમ જેવા ખેલાડીઓ જોડાયેલા છે.