ભારતીય ક્રિકેટ ટીમના માજી ઓપનર અને રાષ્ટ્રીય પસંદગીકાર વીબી ચંદ્રશેખરે માથે વધી ગયેલા દેવાના ભારણને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું છે. ગુરૂવારે જ્યારે પ્રારંભિક રિપોર્ટ આવ્યા તે અનુસાર તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. જો કે પછીથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે દેવાના ભારણને કારણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
તમિલનાડુના આ માજી બેટ્સમેનનો 6 દિવસ પછી 58મો જન્મદિવસ આવી રહ્યો હતો. ચંદ્રશેખરે 1988થી 1990ની વચ્ચે 7 વન ડે રમી હતી. જેમાં તેમણે 88 રન કર્યા હતા. જો કે ડોમેસ્ટિક લેવલે તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું અને 81 મેચમાં તેમણે 4999 રન બનાવ્યા હતા. જેમાં નોટઆઉટ 237 તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સહિત દેશના ક્રિકેટ જગતના ઘણાં ખેલાડીઓ દ્વારા તેમના નિધન અંગે શોક વ્યક્ત કરાયો હતો.