ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં કહ્યું હતું કે તે બાઉન્સરથી ડરતો નથી, પણ મારા મતે તેનાથી મને બોલર વિરુદ્ધ આક્રમક બેટિંગ કરીને તેના પર પ્રેશર ઉભુ કરવાની પ્રેરણા મળે છે. વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન વિરાટે ઝડપી બોલરો દ્વારા બેટ્સમેનો પર બાઉન્સરનો વરસાદ કરવા અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેણે વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચાર્ડસ સાથેની વાતચીતમાં ઘણાં સવાલ કર્યા હતા અને પોતાના વિચાર પણ તેણે રજૂ કર્યા હતા.
કોહલીના મતે શરૂઆતમાં બાઉન્સરનો સામનો કરવાનું સારું લાગે છે, તેનાથી પ્રેરણા મળે છે કે ફરી એવું ન થાય
કોહલીએ બીસીસીઆઇ ટીવીને કહ્યું હતું કે મારું હંમેશાથી એવું માનવું છે કે શરૂઆતમાં જ બાઉન્સરનો સામનો કરવો એ સારી વાત છે, જો બોલ શરીર પર વાગે તો તેનાથી મને પ્રેરણા મળે છે કે ફરી એવું ન થવા દેવું. શરીર પર તેની પીડા અનુભવીને એવું લાગે છે કે ફરી એવું ન જ થવા દેવું.
વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચાર્ડસ સાથે વાતચીતમાં ઘણાં સવાલો કર્યા
આ બાબતે રિચર્ડસે જણાવ્યું હતું કે તે રમતનો જ એક ભાગ છે, એ તેના પર નિર્ભર છે કે તમે આ બાબતોમાંથી કેટલી સારી રીતે બહાર નીકળી શકો છો. ભારતીય કેપ્ટને રિચર્ડસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તમામ બેટ્સમેનો માટે વિવિયન રિચર્ડસ પ્રેરણાસ્ત્રોત છે. રિચર્ડસે કોહલી સાથેની સમાનતા અંગે કહ્યું હતું કે મારું અને તેનું ઝનૂન સરખું છે. કોહલીએ તેને પુછ્યું કે તમારા સમયે ખતરનાક ઝડપી બોલર હતા તો પણ તમે હેલ્મેટ કેમ પહેરતા નહોતા, ત્યારે રિચર્ડસે જવાબ આપ્યો હતો કે હું મરદ છું. મે પોતાની જાત પર વિશ્વાસ રાખ્યો. મને હેલમેટ અસહજતાનો અનુભવ કરાવતી હતી અને મને મરુન કેપ પર ગર્વ હતો, તેથી હું એ જ પહેરતો હતો.