નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ઇન્ઝમામ-ઉલ-હકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇન્ઝમામે કહ્યું કે, પ્રથમ ટેસ્ટના શરૂઆતના દિવસે ભારતીય ટીમ દ્વારા બતાવવામાં આવેલી આક્રમકતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હારવાનું તેમનું દુ: ખ સ્પષ્ટપણે દર્શાવે છે.
ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે નોટિંગહામની પીચ બેન્ટિંગ માટે સારી હતી પરંતુ આ હોવા છતાં ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડને માત્ર 183 રનમાં આઉટ કરી દીધું જે પ્રશંસનીય છે. તેણે કહ્યું કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓની હારની પીડા અનુભવી શકે છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા આ પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત ભારતના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વની રહેશે. બીજા દિવસે જો ભારતીય ટીમ 300-350 રન બનાવશે તો આ ટેસ્ટ ભારતની તરફેણમાં ફેરવાશે. ભારતના તમામ ખેલાડીઓએ તેમની જવાબદારી લેવી પડશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમમાં આક્રમકતાનો અભાવ હતો, પરંતુ ઇંગ્લેન્ડથી શરૂ થયેલી આ શ્રેણીમાં આખી ટીમ આક્રમક રીતે રમી રહી છે.
ઇન્ઝમામે વધુમાં કહ્યું કે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનને જોઇને સ્પષ્ટ છે કે તે આક્રમક ક્રિકેટ રમશે. તેણે તે મુજબ તેની પ્લેઇંગ ઇલેવન પણ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમની બોડી લેંગ્વેજ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે ભારતીય ટીમ આક્રમક રીતે ક્રિકેટ રમે છે. 1-2 વર્ષમાં ટીમમાં આ ફેરફાર આવ્યો છે. ભારતીય ટીમે ચાર બોલરો સાથે ઓલરાઉન્ડર પસંદ કરીને ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમને આક્રમક ક્રિકેટ રમવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.