મુંબઇ : ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2017માં ઉપવિજેતા રહેલી ભારતીય ટીમના દરેક ખેલાડીઓને ઇનામી રકમ તરીકે 38.67 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. BCCIએ ખેલાડીઓને કરેલા પેમેન્ટ્સનું લિસ્ટ રજૂ કર્યું છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફ અને રાજ્ય સંઘોને પણ ચૂકવણી કરવામાં આવી છે.
BCCIએ જણાવ્યું છે કે, 18 ઑક્ટોબરથી 17 જાન્યુઆરી દરમિયાન ત્રણ મહિના માટે કોચ રવિ શાસ્ત્રીને 2.02 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ભારતીય બોલિંગ કોચને 26.99 લાખ જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મીપતિ બાલાજીને પણ વન-ટાઈમ બેનિફિટ રૂપે 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત બોર્ડે રાજ્ય સંઘોને કરેલી ચૂકવણીની પણ જાણકારી આપી. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝ રોયલ ચેલેન્જર્સને આ સીઝનથી થયેલા રેવેન્યૂના શેર તરીકે 19.44 કરોડની રકમ આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત પાકિસ્તાન સામે 134 રનથી હારી ગયું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમે 338 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ભારતીય ટીમ 30.3 ઓવરમાં માત્ર 158 રન જ બનાવી શકી હતી.