મુંબઇ : BCCIએ રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશન (RCA) પર છેલ્લા સાડા ત્રણ વર્ષથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સોમવારે BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ(એસજીએમ)માં આ મોટો નિર્ણય લેવાયો હતો. BCCIના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ આ અંગે જાણકારી આપી હતી. મે 2014માં રાજસ્થાન ક્રિકેટ એસોસસિયેશનના અધ્યક્ષ પદે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીની વરણી થયા બાદ BCCI દ્વારા પ્રતિબંધ લગાવી દીધો હતો જેને કારણે છેલ્લા રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમાઈ રહી નહોતી. BCCIએ તે વખતે શરત મૂકી હતી કે, જ્યાં સુધી લલિત મોદીને આરસીએમાંથી બહાર નહીં કરાય ત્યાં સુધી રાજસ્થાન ક્રિકેટ એસો. પર પ્રતિબંધ રહેશે. તે પછી રાજસ્થાન ક્રિકેટે BCCIની શરતોને માનતાં લલિત મોદીને હટાવી દીધા હતા અને બોર્ડ પર કરવામાં આવેલા કેપ પણ પરત ખેંચી લીધા હતા.
RCA પરથી પ્રતિબંધ હટવું રાજસ્થાન ક્રિકેટ ફેન્સ માટે મોટી ખુશખબરી છે કારણ કે, હવે રાજસ્થાનમાં પણ ઇન્ટરનેશનલ મેચોનું આયોજન થઈ શકશે. ભારતીય ટીમે અહીં છેલ્લે ઇન્ટરનેશનલ મેચ 2013માં ઓસ્ટ્રલિયા સામે રમી હતી જેમાં ભારતે નવ વિકેટે મેચ જીતી હતી.