મુબઇ: BCCI અને ડોપિંગ ટેસ્ટ ફરી ચર્ચાનો મુદ્દો બન્યો છે. નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)ની ક્રિકેટ ખેલાડીઓના ડોપ ટેસ્ટની માગને BCCIએ ફગાવી દેતા જમાવ્યું હતું કે આ સરકારી સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં ક્રિકેટરોના ડોપ ટેસ્ટની જવાબદારી આવતી નથી.
BCCI એ આપ્યો NADA ને જવાબ
BCCIના CEO રાહુલ જોહરીએ નાડાના ચીફ નવીન અગ્રવાલને પત્ર લખી જણાવ્યું હતું કે “BCCI નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનનો હિસ્સો નથી. જેના કારણે તેઓ ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ કરી શકે નહી. નાડા પાસે ક્રિકેટરોના ડોપ ટેસ્ટ કરવા માટે કોઇ અધિકાર નથી. BCCIની એન્ટિ ડોપીંગ સિસ્ટમ પહેલેથી જ મજબૂત છે. કોઇ પણ ચેમ્પિયનશિપ પહેલા અને તેની સમાપ્તી બાદ રમત મંત્રાલયના નિયમો મુજબ વર્લ્ડ એન્ટિ ડોપીંગ એજન્સી (વાડા)ની માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં બધા ટેસ્ટ કરાવવામાં આવે છે. BCCI હંમેશા નિયમો મુજબ કામ કરે છે. ” નાડાને BCCIનો આ જવાબ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણુંક કરાયેલી સંચાલકોની સમિતિ દ્વારા આપવામાં આવ્યો છે.
સેહવાગ અને લાંબાનો એન્ટિ ડોપિંગ અપીલ પેનલમાં સમાવેશ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને દિલ્હીના ખેલાડી વિનય લાંબાનો એન્ટિ ડોપીંગ અપીલ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખૂબ ઓછા કિસ્સાઓમાં જોવા મળતુ હોય છે કે કોઇ ક્રિકેટર આવી કમિટિમાં જોડાય છે. વિનય લાંબા 1967થી 1981ની વચ્ચે કુલ 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. નિવૃત ન્યાયધીશ આર. વી. ઇશ્વરની આગેવાની હેઠળ કુલ છ સભ્યોની સમિતિ રચવામાં આવી છે. અન્ય ચાર સભ્યોમાં વિભા દત્તા મખીજીયા, ડોક્ટર નવીન દંગ અને હર્ષ મહાજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પૂર્વ વેઇટ લિફ્ટર કુંજરાની દેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.