નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીથી ખુશ નથી. બોર્ડે ગયા સપ્તાહે લંડનમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા બદલ કોહલી અને શાસ્ત્રી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બીસીસીઆઈ અને ક્રિકેટ બોર્ડ ઓફ ઈંગ્લેન્ડ (ઈસીબી) બંને પાસેથી પરવાનગી લીધી ન હતી. જણાવી દઈએ કે રવિવારે રવિ શાસ્ત્રીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે જ સમયે, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, જેઓ તેમના નજીકના સંપર્કમાં હતા, પણ સોમવારે કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી.
મીડિયાના અહેવાલ મુજબ, કોહલી અને શાસ્ત્રી સહિત ટીમ ઈન્ડિયાના કેટલાક સભ્યોએ ગયા મંગળવારે પુસ્તક લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ જાહેર કાર્યક્રમનું આયોજન એક હોટલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. શાસ્ત્રી અને કોહલીએ પણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ શેર કર્યું હતું. BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોર્ડ તરફથી પરવાનગી લેવામાં આવી ન હતી.
BCCI કોહલી અને શાસ્ત્રી પાસેથી સ્પષ્ટતા માંગશે
BCCIના એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, “આ ઘટનાની તસવીરો બોર્ડ સાથે શેર કરવામાં આવી છે. BCCI આ મામલામાં તપાસ કરશે. આ ઘટનાને કારણે બોર્ડને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. તેનો ખુલાસો રજૂ કરવા માટે કહેવામાં આવશે. આ બાબતમાં, ટીમ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરીશ ડોંગરે પાસેથી પણ જવાબ મંગાવવામાં આવશે.
BCCI ECB ના સંપર્કમાં છે
તેમજ આ ટોચના અધિકારીએ કહ્યું, “બ્રિટિશ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમે આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ઇસીબી પાસેથી પરવાનગી પણ લીધી ન હતી. આના જેવી બીજી કોઇ ઘટના ન બને.” તેમણે એમ પણ કહ્યું, “અત્યારે આપણે બધા શાસ્ત્રીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છીએ. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. બુધવારે ટી -20 વર્લ્ડકપ માટે ટીમની પસંદગીની બેઠક છે. આ બાબતમાં તેમાં ચર્ચા થઈ શકે છે.”
જો કે, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઓછા ગીચ સ્થળોએ જવાની છૂટ છે. પરંતુ આ રીતે, ટીમે ભીડ વચ્ચે જાહેર કાર્યક્રમમાં ભાગ લઈને બંને બોર્ડને નારાજ કર્યા છે.
તે સત્તાવાર કાર્યક્રમ નહોતો – BCCI
તે જ સમયે, બોર્ડના અધિકારીએ કહ્યું, “આ કોઈ સત્તાવાર કાર્યક્રમ નહોતો. વળી, ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા બોર્ડના સચિવ જય શાહે ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોને લેખિતમાં ચેતવણી આપી હતી કે તેઓ ત્યાં કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં ભાગ ન લે. આ ઇવેન્ટમાં હાજરી આપનાર ટીમના સભ્યોથી બોર્ડ ખૂબ નારાજ છે. બોર્ડનું માનવું છે કે આવી ઇવેન્ટમાં ભાગ લેવાનું ટાળી શકાયું હોત.